અમદાવાદ,મંગળવાર
દસ લાખ રૃપિયાની તોડબાજી પ્રકરણમાં દીર્ઘાયુ વ્યાસ સામે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યા બાદ એક પછી એક કારસ્તાન બહાર આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ધરપકડ કરવા ઘરે ગઈ ત્યારે તે નાસી ગયો હતો. ઘરે સર્ચ કરતા પિસ્તોલ તથા દારુની બોટલ મળી હતી. આજે ક્રાઇમ બ્રાંન્ચે દીર્ઘાયુના ઘરે ગઇ તો પરિવાર પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાથી ક્રાઇમ બ્રાંચે તેના ઘરે નોટિસ ચોટાડી છે. એક દિવસમાં હાજર નહી થાય તો ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
દસ લાખ પડાવવાના પ્રકરણમાં હાજર નહી થાય તો મિલકતો જપ્ત કરાશે
જાણીતા મિડીયા હાઉસની ડિજીટલ વેબસાઇટમાં નોકરી કરતા દીર્ઘાયુ વ્યાસે ક્રાઇમ બ્રાંચમાં કરાયેલી અરજીનો નિકાલ કરવાનું કહીને દસ લાખ રૃપિયા પડાવ્યા હતા જે અંગે ક્રાઇમ બ્રાંચે તેની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ તેના ઘરેથી તપાસ કરતાં તે ભાગી ગયો હતો પોલીસે ઘરે સર્ચ કરીને પિસ્ટલ તથા દારુની બોટલ પકડી તેના પિતા સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
ફરિયાદ નોંધ્યા તેને પાંચ દિવસ વિતી ગયાં છે પણ દીર્ઘાયુ વ્યાસનો પતો પોલીસ લગાવી નહીં શકેલી ક્રાઈમ બ્રાન્ચે કાયદાકીય પ્રક્રિયા શરૃ કરી છે. આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નરોડા વિસ્તારના તેના ઘરે પહોંચી તો પરિવાર ગાયબ હતો અનેતાળું લટકતું હતું. આથી, પોલીસે તેના ઘર ઉપર નોટિસ લગાવી છે. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે,નોટિસ અનુસાર દીર્ઘાયુને ૨૪ કલાકમાં પોલીસમાં હાજર થવા તાકીદ કરવામાં આવી છે. આરોપી હાજર નહીં થાય તો બીજી અને તે પછી ત્રીજી નોટિસ અપાશે. આ પછી પણ દીર્ઘાયુ વ્યાસ હાજર ન થાય તો કલમ ૭૦ હેઠળ ધરપકડનું વોરન્ટ ઈસ્યૂ કરવામાં આવશે. આ પછી કલમ ૮૨-૮૩ હેઠળ દીર્ઘાયુ વ્યાસને સત્તાવાર રીતે ભાગેડૂ જાહેર કરીને મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે.


