Gujarat

મોટી દુર્ઘટના થતા ટળી ગઈ, કાંકરિયાના ઈકા કલબના સ્વિમિંગ પુલની છત નમી ગઈ

By GS TEAM
4 Jul 20251 min read
મોટી દુર્ઘટના થતા ટળી ગઈ, કાંકરિયાના ઈકા કલબના સ્વિમિંગ પુલની છત નમી ગઈ

 અમદાવાદ,શુક્રવાર,4 જુલાઈ,2025

અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ઈકા સ્પોર્ટસ કલબ ખાતે શુક્રવારે સવારે સ્વિમિંગ પુલની છતમાં ક્રેક પડતા નમી ગઈ હતી. આ ઘટનાના પગલે આયુષ એક્સપોમાં હાજર રહેલા લોકોમાં ભય અને ફફડાટ ફેલાયો હતો. પાંચમા માળ ઉપર બનેલી આ ઘટનાના પગલે આયુષ એક્સપોને તાકીદની અસરથી બંધ કરાયો હતો. સદનસીબે કોઈ ઈજા કે જાનહાની થઈ નહતી.

કાંકરિયા ખાતે આવેલા ઈકા સ્પોર્ટસ કલબ ખાતે આજથી આયુષ એકસ્પોનુ આયોજન કરાયુ હતુ. ગ્રાઉન્ડ ફલોર ઉપર એક્સપોના ઉદ્દઘાટનની તૈયારી ચાલી રહી હતી.તે જ સમયે પાંચમા માળ ઉપર આવેલા ઈકા સ્પોર્ટસ કલબના સ્વિમિંગપુલની છતમાં એકાએક તિરાડ પડતા લોકોમાં ભય ફેલાયો હતો. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.જયાં સ્વિમિંગપુલનુ પાણી ખાલી કરાવવા માટે કામગીરી શરુ કરાવાઈ હતી.ફાયરના સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,સ્વિંમિંગપુલમાં વધુ પ્રમાણમાં પાણી ભરવાના કારણે તિરાડ પડી હોવાનું પ્રાથમિક અનુમાન છે.ઘટના સમય કલબમાં અમદાવાદ બહારથી આવેલા લોકો પણ હાજર હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.