Get The App

IIM અમદાવાદના વિદ્યાર્થીએ ChatGPTની મદદથી પ્રોજેક્ટ બનાવીને A+ ગ્રેડ મેળવ્યો, AI મુદ્દે ગંભીર ચર્ચા છેડાઈ

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
IIM અમદાવાદના વિદ્યાર્થીએ ChatGPTની મદદથી પ્રોજેક્ટ બનાવીને A+ ગ્રેડ મેળવ્યો, AI મુદ્દે ગંભીર ચર્ચા છેડાઈ 1 - image


Yugantar Gupta IIM Ahmedabad : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પગપેસારો આજે દુનિયાના લગભગ પ્રત્યેક ક્ષેત્રે થઈ ગયો છે અને શિક્ષણ પણ તેમાંથી બાકાત નથી. સમાચાર આવ્યા છે કે IIMના એક વિદ્યાર્થીએ તેના અભ્યાસ પ્રોજેક્ટમાં AIનો ઉપયોગ કરીને A+ ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીએ પોતે આ માહિતી જાહેર કરતાં સોશિયલ મીડિયાથી લઈને બધે AI દ્વારા પ્રભાવિત થઈ રહેલા ‘સાચા શિક્ષણ’ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો પૂછી રહ્યા છે કે, શું AI પરંપરાગત શિક્ષણ પદ્ધતિને ખતમ કરી દેશે? 

કોણ અને ક્યાંનો છે એ વિદ્યાર્થી?

આ વિદ્યાર્થીનું નામ છે યુગાંતર ગુપ્તા અને તે ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ- અમદાવાદ’ (IIMA)માં અભ્યાસ કરે છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન (LinkedIn) પર જાહેર કર્યું હતું છે કે કેવી રીતે તેણે ચેટજીપીટીની મદદથી તેનો પ્રોજેક્ટ બનાવીને A+ ગ્રેડ મેળવ્યો હતો. યુગાંતર ગુપ્તાનું કહેવું છે કે સંસ્થામાં સાહિત્યચોરી પર પ્રતિબંધ છે, પરંતુ એઆઈના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી, તેથી તેણે ચેટજીપીટીની મદદ લીધી હતી. 

એઆઈના કામને A+ ગ્રેડ અપાયો

યુગાંતરને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે એઆઈની મદદથી તૈયાર કરાયેલા તેના પ્રોજેક્ટને A+ ગ્રેડ અપાયો હતો. A+ એ એક દુર્લભ ગ્રેડ છે, જે સામાન્ય રીતે ટોચના 5% વિદ્યાર્થી માટે અનામત રખાય છે. યુગાંતર અભ્યાસમાં 5% અતિ તેજસ્વી વિદ્યાર્થીઓમાં પણ નહીં હોવાથી, તેને પોતાને મળેલો ગ્રેડ જોઈને નવાઈ લાગી હતી. એક લાંબી પોસ્ટમાં યુગાંતરે લખ્યું હતું કે, ભલે ગ્રેડ અર્થહીન હોય, પણ IIMમાં કોઈપણ રિપોર્ટ પર A+ ગ્રેડ મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે, તેથી A+ હંમેશાં મેડલ મળ્યા જેવી ખુશી આપે છે.

શું હતો પ્રોજેક્ટ?

યુગાંતરનો પ્રોજેક્ટ કોસ્મેટિક્સ પરના માર્કેટિંગ બાબતે હતો. એવું પણ નથી કે યુગાંતરે સાવ જ કોઈ મહેનત નહોતી કરી. પ્રોજેક્ટ માટે યુગાંતરે આઠ સ્ટોર્સની મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર ગ્રાહકોનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રાહકોના વર્તન અને તેમના દ્વારા પૂછાયેલા પ્રશ્નોની તેણે વૉઈસ નોટ્સ બનાવી લીધી હતી. પછી તેણે એ નોટ્સ ચેટજીપીટીને સોંપી દીધી હતી. એ નોટ્સના આધારે ચેટજીપીટીએ પ્રોજેક્ટ બનાવી આપ્યો હતો, જે એટલો બધો સરસ હતો કે એને A+ ગ્રેડ મળી ગયો હતો. 

શું AI ‘સાચા શિક્ષણ’ને ખતમ કરી દેશે?

યુગાંતરની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે અને તેને લીધે શિક્ષણમાં એઆઈની ભૂમિકા વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી મહેનત, નૈતિક મૂલ્યો તથા પારંપરિક શિક્ષણ પદ્ધતિના મૂલ્યો વિશે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, શું યુગાંતરે કર્યું એ વાજબી છે? 

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ યુગાંતર ગુપ્તાની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક તેની પ્રામાણિકતાની પ્રશંસા કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે ભલે એણે એઆઈ પાસે પ્રોજેક્ટ લખાવડાવ્યો, પણ પ્રોજેક્ટ માટેનું સંશોધન તો એણે પોતે જ કર્યું હતું ને! તો એક યુઝરે લખ્યું હતું કે, ‘એઆઈને લીધે કામમાં ઝડપ આવે છે એ સાચું, પરંતુ તે માનવ-જિજ્ઞાસા અને માનવ-પહોંચ સાથે સ્પર્ધા કરી શકતું નથી.’ બીજા એક યુઝરે લખ્યું, ‘એઆઈને અભિશાપ તરીકે ન જોવું જોઈએ, તે આપણા કામને વધુ ઉત્તમ બનાવે એ પ્રકારે એનો વપરાશ કરવામાં કશું ખોટું નથી.’ 

કોઈકે યુગાંતરના પ્રોજેક્ટને A+ ગ્રેડ આપનાર પ્રોફેસરની ટીકા કરી તો કોઈકે એ પ્રોફેસરના બચાવમાં એવું લખ્યું કે, ‘આમાં પ્રોફેસરનો શું વાંક? તેઓ એઆઈને કેવી રીતે રોકી શકે?’

નિષ્ણાતોનું શું કહેવું છે?

આ મુદ્દે નિષ્ણાતોનું એવું કહેવું છે કે, વિદ્યાર્થીઓએ આધુનિક જમાનાના ટૂલ્સને ભરોસે રહેવાને બદલે જાતે મહેનત કરીને અભ્યાસ કરવો જોઈએ અને એનો આનંદ લેવો જોઈએ. આ રીતે મેળવેલું ફળ જ તમારામાં આત્મવિશ્વાસનું સિંચન કરશે અને એ આત્મવિશ્વાસ આજીવન કામ લાગશે. 

શૈક્ષણિક સંસ્થાઓમાં AIની છૂટ હોવી જોઈએ?

યુગાંતરે જે કર્યું એ એટલા માટે કર્યું, કેમ કે IIMA માં એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ નથી. આ બાબતે લોકો એવો મુદ્દો ઉઠાવી રહ્યા છે કે શૈક્ષણિક સંસ્થાઓએ એઆઈના ઉપયોગ પર લગાવવી જ જોઈએ જેથી જાતે મહેનત કરતાં વિદ્યાર્થીઓને અન્યાય ન થાય, શિક્ષણની પરંપરાગત પદ્ધતિને આંચ ન આવે અને નૈતિક મૂલ્યો પણ જળવાય. પૂરી મહેનત કર્યા વગર એઆઈના ઉપયોગથી જ પાસ થઈ જનારા વિદ્યાર્થીઓ નોકરીમાં નબળું પ્રદર્શન કરીને તેમનું અને તેમને નોકરી આપનારી સંસ્થા, એમ બંનેને નુકસાન કરશે. 

વાત તો સાચી અને સારી છે, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે, ઘર ભાળી ગયેલા જમ જેવા એઆઈ ટૂલ્સને રોકવું હવે શક્ય છે ખરું?


Tags :