સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો
- ત્વરિત કામ અટકાવવા મ્યુનિ. કમિશનરને રજૂઆત
- એડપ્ટ ડેવલોપર્સ બિલ્ડર ગુ્રપ દ્વારા રહેણાંક- સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ શરૂ કરાતા સ્થાનિકોમાં વિરોધ
મુખ્યમંત્રીએ તાજેતરમાં સ્વાગત કાર્યક્રમ હેઠળ રાજ્યભરમાંથી આવેલી અનેક ફરિયાદોને ગંભીરતાથી લીધી હતી. તેમણે અધિકારીઓને રહેણાંક-સોસાયટીઓમાં કોમશયલ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા અને આવા બાંધકામોને મંજૂરી ન આપવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ એમ પણ ટકોર કરી હતી કે, નાગરિકોને પોતાની નાની રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ. આવા સંજોગોમાં, રહેણાંક વિસ્તારમાં કોમશયલ બાંધકામ સામે કાર્યવાહી કરવાની બદલે, નડિયાદ મનપાએ મુખ્યમંત્રીના આદેશની ઉપરવટ જઈને આ કોમશયલ બાંધકામને મંજૂરી આપી છે. જેમાં ખાસ તો ટીપી-૨માં આવેલા સીટી સર્વે નંબર ૨૪૧, ૨૪૨, ૨૭૧, સીટ નંબર ૨૩ વાળી પીપલગ રોડ પરની જમીન અમન શાહ અને અજય પંજાબીના નામે છે. જેમાં આ પ્રોજેક્ટ્સ મૂળ રહેણાંક હેતુ માટે મંજૂર થયા હતા, પરંતુ હવે તેનો ઉપયોગ કોમશયલ હેતુ માટે કરવામાં આવી રહ્યો છે, જે નાણાં બચાવવા અને જંત્રીની ચોરી કરવાનો પ્રયાસ હોવાનો પણ આરોપ ઉઠયો છે. આ કોમશયલ બાંધકામનો નક્શો નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરી દેવાયો છે. ઉપરાંત જમીન પ્રોપર્ટી કાર્ડના રેકોર્ડ મુજબ, રહેણાંક સોસાયટીમાં કોમન પ્લોટ ભેળવી દેવાનું કૌભાંડ થયું હોવાનો આરોપ છે, અને માલિકો જુદા જુદા હોવા છતાં કાયદા વિરુદ્ધ એકત્રીકરણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ, અહીં કોમન પ્લોટમાં કોમશયલ દુકાનો બાંધી દેવાની મંજૂરી આપવામાં આવી છે. દુકાનો સંબંધિત આ કોમશયલ બાંધકામને મંજૂરી આપવા સામે સ્થાનિકો દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરને તાત્કાલિક કામ અટકાવવા રજૂઆત કરવામાં આવી છે.
જમીનના મૂળ માલિકો અલગ, છતાં રાજકીય વ્યક્તિને રસ કેમ?
આ સમગ્ર મામલે જે જમીન પર બાંધકામ થઈ રહ્યું છે, તેના પ્રોપર્ટી કાર્ડ પર અમન શાહ અને અજય પંજાબીના નામ છે. છતાં, આ સમગ્ર પ્રકરણમાં પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ ભાજપના નેતા અમિત પટેલ અંગત રસ દાખવી રહ્યા હોવા અંગે અનેક સવાલો ઉઠયા છે. પડદા પાછળ રહીને તેઓ જ આ ગેરકાયદેસર બાંધકામ કરાવી રહ્યા છે કે કેમ, તેવા પ્રશ્નો પણ ઉભા થયા છે. નડિયાદ કોર્પોરેશનના અધિકારીઓ નાના માણસોના નકશા પાસ કરવામાં ઢીલ રાખે છે, જ્યારે રાજકીય વગ ધરાવતા બિલ્ડરોને પબ્લિકના વાંધા હોવા છતાં નકશા પાસ કરવામાં આવે છે, તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
રાજ્ય ધોરી માર્ગના મધ્યબિંદુથી અંતર છોડવાના નિયમનો ભંગ
નડિયાદના પીપલગ રોડ, જે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હેઠળ રાજ્ય ધોરી માર્ગ તરીકે આવે છે. તેના નિયમ મુજબ રોડના મધ્યબિંદુથી ૨૧ મીટરનું કાયદેસર અંતર છોડીને જ બાંધકામ કરવાની જોગવાઈ છે. છતાં, નિયમનું ઉલ્લંઘન કરી એડપ્ટ ડેવલોપર્સ બિલ્ડર ગુ્રપ દ્વારા કોમશયલ બાંધકામ શરૂ કરી દીધું છે. આ સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ તપાસની માંગણી ઉઠી છે.