માથાભારે ફારૂક તલ્લોઇ ટોળકી પુનઃ સક્રિયઃ `તમારે બાંધકામ કરવું હોય તો મને 3 લાખ રૂપિયા આપવા પડશે` એમ કહી હુમલો
સગરામપુરા-લુહાર શેરીમાં મકાન રીનોવેટ કરતા બિલ્ડર પાસે એક મહિનાથી ખંડણી માંગે છે, મકાનની ચાવી ઝુંટવી લઇ મારી નાંખવાની ધમકી
સુરત તા. 17 જુલાઇ 2020 શુક્રવાર
સગરામપુરા લુહાર શેરીમાં મકાનનું રીનોવેશન કરાવી રહેલા બિલ્ડરને `તમે બાંધકામ કરો છો તો અમારી પણ ધ્યાન રાખો, આ અમારો એરિયો છે અને તમારે બાંધકામ કરવું હોય તો તમારે મને રૂા. 3 લાખ આપવા પડશે` એમ કહી ખંડણી માંગી માથાભારે રીઢા ગુનેગાર ફારૂક તિલ્લોઇ સહિત ચાર જણાએ લાકડાના ફટકા વડે હુમલો કરતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ છે.
સગરામપુરા લુહાર શેરી 1 સ્થિત વોર્ડ નં. 22 માં મકાન નં. 3203 ખરીદનાર બિલ્ડર યુનુસ મો. હુસેનમીયા લોખંડવાલા (ઉ.વ. 55 રહે. ઘર નં. 12/395 હકીમ ચીચી ફાર્મસી સામે, ટંકશાળીવાડ, રાણીતળાવ) હાલમાં મકાનનું રીનોવેશન કરાવી રહ્યા છે.
મહાનગરપાલિકાની પરવાનગી મેળવી રીનોવેશન કરાવી રહેલા બિલ્ડર યુનુસને છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક વિસ્તારનો માથાભેર અઝીઝ જરીવાલા ધમકી આપતો હતો. અઝીઝે યુનુસને કહ્યું હતું કે તમે બાંધકામ કરો છો તો અમારૂ પણ ધ્યાન રાખો, આ અમારો એરિયો છે અને તમારે બાંધકામ કરવું હોય તો રૂા. 3 લાખ તો આપવા જ પડશે. તમે પૈસા નહિ આપો તો એસએમસી અરજી કરી તમારૂ બાંધકામ તોડાવી નાંખીશ અને એસએમસી નહિ તોડે તો અમે તોડી નાંખીશું. પરંતુ યુનુસે પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમ્યાનમાં ગત રોજ યુનુસ અને તેના બે પુત્ર ઇરફાન તથા ઇમરાન અને ભત્રીજો અબુબકર સાથે રીનોવેશન થઇ રહેલા મકાનમાં સીસીટીવી કેમેરા લગાવવા ગયા હતા. ત્યારે અઝીઝ જરીવાલા ફારૂક તલ્લોઇ સહિત ચારેક જણા સાથે ઘસી આવ્યો હતો. અઝીઝે યુનુસ પાસે અત્યારે જ રૂા. 3 લાખ આપવા પડશે એમ કહી ઝઘડો કર્યો હતો અને લાકડાના ફટકા વડે હુમલો કરી બે પુત્ર અને ભત્રીજાને માર માર્યો હતો. ઉપરાંત અઝીઝે બાંધકામ સુપરવાઇઝર રાસીદભાઇ પાસેથી ઘરની ચાવી લઇ લીધી હતી અને હવે જો તાળાને હાથ લગાવવાની કોશિષ કરશો તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી હતી. જેને પગલે યુનુસે અઝીઝ અને ફારૂક તલ્લોઇ સહિત ચાર વિરૂધ્ધ ખંડણી માંગી માર મારવા ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અઝીઝ મારામારી અને ફારૂક તલ્લોઇ લૂંટ, મારમારી અને આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.