બિમાર પડો તો પાટડી સરકારી હોસ્પિટલ જતા નહીં, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જ નથી

- ડોક્ટરના અભાવે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર
- ગાયનેક, ઓર્થોપેડિક, આંખના સર્જન સહિત 7 ડોક્ટરની જગ્યા વર્ષોથી ખાલી છતાં ભરતી કરાતી જ નથી
પાટડી : રણકાંઠાના દસાડા તાલુકામાં અંદાજે બે લાખ જેટલીને ધ્યાને લઈ લોકોને સારી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા દસાડાના મુખ્ય મથક પાટડી ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી છે. પરંતુ અહીં સાત જેટલા અલગ અલગ વિભાગના ડોક્ટરોની જગ્યા વર્ષોથી ખાલી છે.
સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર નહીં હોવાથી સામાન્ય સ્થિતિ ધરાવતા લોકોને ખાનગી હોસ્પિટલમાં હજારો રૂપિયા ખર્ચ કરી પ્રસૂતિ કરાવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટર ઉપરાંત મશીનરીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાં આંખ, હાડકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ નથી જેના કારણે અકસ્માત સમયે ઈજાગ્રસ્તને માત્ર ટાંકા લઈ સારવાર આપ્યા બાદ વિરમગામ અથવા સુરેન્દ્રનગર રિફર કરી દેવામાં આવે છે. આંખની સારવાર માટે વિસ્તારના લોકો સરકારી હોસ્પિટલ પર નિર્ભર છે. સરકારી હોસ્પિટલમાં આંખનો વિભાગ છે પરંતુ ડોક્ટર નથી.
તાજેતરમાં અમુક વિભાગમાં સ્ટાફની ભરતી કરવામાં આવી છે પરંતુ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની હજી સુધી ભરતી કરવામાં આવી નથી. ડોકટરોની ખાલી જગ્યા અંગે સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે દર્દીઓ અને લોકોને પડતી હાલાકીને ધ્યાને લઈ તાત્કાલિક ડોકટરોની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

