તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ
ચિલોડા પંથકમાં આવેલી કોલેજમાં વિદ્યાર્થિનીને ધમકી
સાથી વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીનો મોબાઇલ ઝૂંટવી લઈને ગોળીઓ ગળી લીધી ઃ ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર નજીક ચિલોડા પંથકમાં આવેલી સરસ્વતી ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા સાથી વિદ્યાર્થીનીને ભાઈ બહેનનો સંબંધ રાખવા માટે દબાણ કરીને જાનથી મારી નાખી પોતે પણ આપઘાત કરી લેવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીનીનો મોબાઇલ પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. જે અંગે ગુનો દાખલ કરાયો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ધણપ ગામ ખાતે આવેલી સરસ્વતી ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બસમાં અપડાઉન કરે છે જ્યારે તેની સાથે એક વિદ્યાર્થી પણ અપડાઉન કરતો હતો જેને તે વિદ્યાર્થીની રાખડી પણ બાંધતી હતી અને આ અંગે તેમના પરિવારને પણ જાણ હતી. જો કે આ વિદ્યાર્થીનું વર્તન વધારે પડતું હોવાથી તેણીએ તેની સાથે સંબંધ કાપી નાખ્યો હતો. આ દરમિયાન આ વિદ્યાર્થીએ તેની સાથે ભાઈ બહેનનો સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું અને ગત ૧૧ જુલાઈના રોજ વિદ્યાર્થીને તેના રૃમમાં લાફો મારી દીધો હતો. જેથી આ સંદર્ભે વિદ્યાર્થીની દ્વારા પ્રિન્સિપાલને જાણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીને ઠપકો પણ આપવામાં આવ્યો હતો અને માફી પત્ર પણ લખાવવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે આ વિદ્યાર્થીની કોલેજમાં હાજર હતી તે સમયે આ વિદ્યાર્થી ત્યાં આવ્યો હતો અને તેણીને બળજબરીથી પાકગમાં ખેંચી ગયો હતો ત્યારબાદ ધમકીઓ આપી હતી કે જો તે તેની સાથે વાત નહીં કરે તો સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લેશે અને ત્યારબાદ તેને પણ મારી નાખશે. આ કહ્યા બાદ આ વિદ્યાર્થી તેની પાસે લાવેલી ગોળીઓ ગળી ગયો હતો અને સ્ટીલની બોટલ વડે પોતાના મોઢા અને કપાળ ઉપર માર માર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થીનીનો મોબાઇલ પણ ઝૂંટવી લઈ તોડી નાખ્યો હતો ત્યારબાદ કોલેજ બહાર લઈ જઈને તેણીને ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બચી ગઈ હતી અને ત્યારબાદ પ્રિન્સિપલને જાણ કરતાં પરિવારને બોલાવવામાં આવ્યો હતો. હાલ તેણીની ફરિયાદના આધારે આરોપી વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.