હવે બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાશો તો થશે સજા, બોર્ડે કર્યો આ મહત્વનો નિર્ણય
ચોરી કરનાર વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવામાં આવશે
બોર્ડની પરીક્ષામાં 16 લાખ જેટલા વિદ્યાર્થીઓે નોંધાયા
Image : Pixabay |
ગાંધીનગર, 02 માર્ચ 2023, ગુરુવાર
રાજ્યમાં આગામી 14મી માર્ચથી શરુ થતી પરીક્ષા પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. બોર્ડની પરીક્ષમાં ગેરરીતિ થતી અટકાવવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં હવે જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પરીક્ષા સમયે ચોરી કરતા ઝડપાશે તો થશે સજા. ચોરી કરનાર વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવામાં આવશે.
બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી
રાજ્યમાં બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે બોર્ડની પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પરીક્ષમાં ચોરી કરતા ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલા ભરવામાં આવશે. જો વિદ્યાર્થી ચોરી કરતા પકડાઈ જશે તો તે બે વર્ષ સુધી પરીક્ષા આપી નહી શકે અને બે વર્ષ સુધી તેને ઘરે બેસી રહેવુ પડશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા અન્ચ એક નિર્ણયમાં જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા વર્ગમાં હથિયાર જેવી સામગ્રી સાથે પકડાશે તો તે આજીવન બોર્ડની પરીક્ષા આપી શક્શે નહીં. આ વર્ષે બોર્ડે પરીક્ષામાં ચોરી ન થાય તે માટે કડક નિયમો બનાવાયા છે.
રાજ્યમાંથી આટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત રાજ્યમાં શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 14મી માર્ચે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થશે. ધોરણ 10ની પરીક્ષા 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી ચાલશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25મી માર્ચે પુરી થશે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 16 લાખ જેટલા વિદ્યાર્થીઓે નોંધાયા છે.