Gujarat

કચરો અલગ ના કર્યો તો માલસામાન જપ્ત કરાશે, લારી-ગલ્લા,પાથરણાં સહીતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે

By GS TEAM
1 Oct 20251 min read
કચરો અલગ ના કર્યો તો માલસામાન જપ્ત કરાશે, લારી-ગલ્લા,પાથરણાં સહીતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે

અમદાવાદ,મંગળવાર,30 સપ્ટેમબર,2025

અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા કોર્પોરેશનની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આકસ્મિક તપાસ કરાશે.લારી-ગલ્લા ઉપરાંત પાથરણાં સહીતના વેપારીઓએ ભીનો અને સૂકો કચરો અલગ કરવો પડશે.તમામે બે ડસ્ટબીન રાખવા પડશે.ભીનો અને સૂકો કચરો અલગ ના કરનાર તથા રોડ ઉપર કચરો નાંખનારને કોર્પોરેશન દ્વારા દંડ કરાશે. સ્વચ્છતા રાખવા કોર્પોરેશનની ટીમ દ્વારા સમજૂત કરાશે. સમજૂત કરાયા પછી પણ રોડ ઉપર કચરો નાંખનારાઓનો માલસામાન જપ્ત કરી લેવામાં આવશે.

સ્વચ્છ સર્વેક્ષણ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૧૬ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં હાથલારી,ગલ્લા ઉપરાંત વાહનો ઉપર  ઉપરાંત પાથરણાં,ફુડ સ્ટોલ અને અન્ય પ્રકારે ફેરી કરતા ફેરીયાઓએ હવેથી ફરજિયાત ભીનો અને સૂકો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં રાખવો પડશે.ભીના કચરા માટે લીલા રંગના ડસ્ટબીનમાં એંઠવાડ, ફળો,શાકભાજીના છોતરાં,બગડેલો ખોરાક, ચા-કોફીના કૂચા, નાળીયેરના છોતરા વગેરે નાંખવાના રહેશે.વાદળી રંગના ડસ્ટબીનમાં પ્લાસ્ટિક,કાગળ, થર્મોકોલ,પાણીના પાઉચ, વેફર-બિસ્કીટના રેપર તથા કાચ-ધાતુ વગેરે નાંખવાના રહેશે.આ રીતે અલગ કરેલો કચરો કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ગાડીના નિયત કરેલા ભીના અને સૂકા કચરાના ખાનામા અલગ અલગ આપવાનો રહેશે.કોઈપણ સંજોગમાં કચરો રોડ ઉપર કે ગટરલાઈન કે અન્યત્ર નાંખવાનો રહેશે નહીં.