અત્યારે આ હાલત છે તો આગળ શું થશે? સારંગપુર બ્રિજ, નાના ચિલોડામાં ખાડામાં પડતા પાંચ લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ,શનિવાર,21
જુન,2025
અમદાવાદમાં ચોમાસાની હજુ માંડ શરુઆત થઈ છે. સારંગપુર બ્રિજ
નીચે, નાના
ચિલોડા સહિતના વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડામાં
પડવાના કારણે નાની બાળકી સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકીને
શારદાબહેન હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બીજી તરફ પાલડી ચાર રસ્તા પાસે પાણીની
લાઈનમાં ભંગાણ થતાં ભુવો પડયા પછી એકતરફનો રોડ બેસી ગયો છે. પાણીની લાઈનના સમારકામ
પછી નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઈનના ભંગાણને લઈ તપાસ કરાશે. પાંચ દિવસ સુધી એક
તરફનો આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે.અત્યારે આ પરિસ્થિતિ છે તો સમગ્ર ચોમાસા
દરમિયાન શહેરીજનોની શું હાલત થશે એની કલ્પના કરી શકાય એમ નથી.
દર વર્ષે શહેરમાં નવા રોડ બનાવવા, રોડ રીસરફેસ કરવા
પાછળ કોર્પોરેશન કરોડો રુપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં રોડ ઉપર પાણી ભરાય છે. ભુવા અને
ખાડા પણ પડે છે.જેમાં આસપાસ રહેતા રહીશો અને વાહનચાલકો પણ અકસ્માત કે પડવા અને
વાગવાથી ઈજાગ્રસ્ત બને છે.જેની અધિકારીઓ કે શાસકોને કોઈ દરકાર હોય એમ દેખાતુ
નથી.સારંગપુર બ્રિજ નીચેના ભાગમાં દોઢ મહિનાથી ડ્રેનેજ લાઈન નાંખવાની ગોકળગતિથી
કામગીરી ચાલી રહી છે. સોસાયટીઓ અને ચાલીઓની બહાર નીકળવાના મુખ્ય રસ્તાઓ ઉપર જ ખાડા
ખોદી નાંખવામા આવ્યા છે.નાના એવા રસ્તામાંથી બાળકોથી લઈ અબાલ વૃધ્ધ સુધીનાને પસાર
થવુ પડે છે.એક બાળકી ખાડામાં પડતા તેને
દાંત તૂટી જતા પાંચ ટાકા લેવા પડયા હોવાનુ સ્થાનિક રહીશનુ કહેવુ છે. બીજી
તરફ નાના ચિલોડા વિસ્તારમાં આવેલા કૈલાસ ઓજસ એપાર્ટમેન્ટમા રહેતા અરુણભાઈ ભદોરીયા
ખાડામા પડતા ઈજાગ્રસ્ત થતા તેમને ફેકચર થતા ડોકટરે તેમને ત્રણ મહિના આરામ કરવા કહયુ
છે.૪૦થી ૫૦ મકાન રોડ ઉપર આવેલા છે.કોઈ વૈકલ્પિક રસ્તો આપવામા આવ્યો નહી હોવાથી રોજ
એક કે બે લોકો ખાડામા પડતા બચાવવા પડે છે.
ચારતોડા કબ્રસ્તાન,
કાંકરિયા યાર્ડ વિસ્તારમા પણ લોકોના હાલ બેહાલ
ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાન પાસે થોડા સમય અગાઉ
કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ તોડયા હતા.અમલ પછી પાણી અને ડ્રેનેજની લાઈન
નાંખવામા આવી હતી.લાઈન નાંખ્યા પછી જરુરી કામગીરી પુરી નહીં કરાતા લોકોને હાલાકી
પડી રહી છે.કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનથી ગોમતીપુર જવાનો રસ્તો ખુબ બિસ્માર
છે.મેટ્રો સ્ટેશનથી આવતા જતા લોકોને છ મહિનાથી આ પરિસ્થિતિમાંથી અવરજવર કરવી પડી
રહી છે પરંતુ ફરજ બજાવતા અધિકારીઓને આ
દેખાતુ નથી.
ઉત્તરઝોન કચેરીની લિફટ નીચે ભરાયેલુ પાણી પમ્પથી કાઢવુ પડયુ
ઉત્તરઝોનના મેમ્કો વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની
કચેરી આવેલી છે. આ કચેરીની લિફટ નીચેની પીટમાં બે દિવસથી દોઢથી બે ફુટ જેટલુ
વરસાદી પાણી ભરાયુ હતુ. ઉત્તરઝોનના એડીશનલ સીટી ઈજનેર ગોપાલ પટેલે કહયુ, બિલ્ડિંગને
નુકસાન ના થાય એ માટે લિફટ બંધ કરાવી તેની પીટ નીચે ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ
કરાયો છે.
ત્રણ વર્ષમાં રોડ રીસરફેસ કરવા રુપિયા ૧૧૯૨ કરોડનો ખર્ચ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષમાં શહેરમાં રોડ રીસફેસ કરવા તથા રોડ ઉપર પડેલા
ખાડા પુરવા રુપિયા ૧૧૯૨ કરોડનો ખર્ચ કર્યો છે. આમ છતાં રોડ ઉપર ખાડા અને ભુવા પડે છે.જેનો ભોગ નિર્દોષ
લોકો બની રહયા છે.
વર્ષ રોડ કિ.મી. ખર્ચ(કરોડમાં)
૨૦૨૧-૨૨ ૨૪૫ ૧૩૯ ૩૧૬.૯૧
૨૦૨૨-૨૩ ૪૩૩ ૨૩૬.૭૩
૪૧૬.૯૯
૨૦૨૩-૨૪ ---- ૨૪૪.૮૫
૪૬૦.૦૦








