સ્કૂલ લિવિંગ સર્ટિ.માં ભૂલ હોય તો શાળાએ તે સુધારી આપવી પડે : ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ,તા.11 ઓક્ટોબર 2022,મંગળવાર
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો શાળાએ કોઇ ભૂલચૂક કરી હોય તો તે સુધારવાની શાળાની ફરજ છે અને તે શાળાએ સુધારવી જ પડે એમ ગુજરાત હાઇકોર્ટે એક આદેશમાં ઠરાવ્યું છે. શહેરની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવા કરાયેલા હુકમમાં હાઇકોર્ટે આ મુજબ ઠરાવ્યું હતું.
અરજદાર વિદ્યાર્થીનીના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવા માટે હાઇકોર્ટનો હુકમ
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદાર વિદ્યાર્થીની દ્વારા રજૂ કરાયેલ જન્મનો દાખલો(જન્મનું પ્રમાણપત્ર) એ રાજય સરકાર દ્વારા જારી એક વૈધાનિક પ્રમાણપત્ર છે, જે પુરાવા તરીકે તે ઘણું મૂલ્યવાન હોય છે. જન્મના પ્રમાણપત્રમાં ઉલ્લેખ કરાયેલી જન્મ તારીખ એ જન્મ-મરણ અધિનિયમ હેઠળ વૈધાનિક જોગવાઇ હેઠળ નોંધાયેલ હોય છે. એક વખત ભૂલ થઇ હોય તો તેને સુધારવી પડે. ખાસ કરીને ત્યારે જે જયારે વિદ્યાર્થીની તરફથી રજૂ કરાયેલ જન્મના પ્રમાણપત્રને લઇ કોઇ વિવાદ નથી, તેથી તેના આધારે શાળાએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવો જોઇએ.
અરજદાર વિદ્યાર્થીની તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, જે તે વખતે તેણીના માતા-પિતાએ તેણીને શાળામાં એડમીશન વખતે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. અરજદારની સાચી જન્મતારીખ તા.૨૧-૮-૧૯૯૧ છે, તેના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તા.૨૨-૮-૧૯૯૧ લખાયેલુ છે. અરજદારે જરૂરી સુધારો કરી આપવા માટે શાળા સમક્ષ તેના જન્મનું પ્રમાણપત્ર, તેણીના પિતાનું સોગંદનામું સહિતના જરૂરી પુરાવા રજૂ કર્યા છે, ત્યારે શાળાએ સાચો સુધારો કરી આપવો જોઇએ.