જામનગરનો નવો ફ્લાય ઓવર ખુલ્લો નહીં મુકાય તો 30મીએ જનતાના હસ્તે લોકાર્પણ થશે : કોંગ્રેસ પાર્ટીનું મ્યુનિ. કમિશનરને આવેદન

Jamnagar Congress : જામનગર શહેરની મધ્યમાં નવા તૈયાર થયેલા ફલાય ઓવર બ્રિજના ઉદ્ઘાટનની મુદત પડી છે, અને લોકો માટે ખુલ્લો મુકવામાં વિલંબ થયો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જામનગરના કમિશનરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે, કે આગામી 30 તારીખ સુધીમાં જો બ્રિજનું લોકાર્પણ નહીં થાય, તો જાહેર જનતાને સાથે રાખીને બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે. ઉપરાંત નવા બ્રીજનું નામ માજી રાજવી જામ રણજીતસિંહજી પણ જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.
જામનગર શહેરમાં નવો ફ્લાય ઓવર બનાવવાનું કામ ગણા લાંબા સમયથી ચાલુ રહેવાને કારણે વર્ષ 2021 થી નગરજનો હાલાકી ભોગવી રહયા છે. ત્યારે તા.21ના ગુરુવારે મુખ્યમંત્રીના હસ્તે આ ફ્લાય ઓવરનું થનારું લોકાર્પણ પાછું ઠેલાયા બાદ હવે આ બ્રિઝ નજીકના ભવિષ્યમાં ખુલ્લો નહીં મુકાય તો આગામી તા.30ના રોજ જામનગરની જનતાને સાથે રાખીને ફ્લાય ઓવર ખુલ્લો મુકી દેવામાં આવશે. તેવી મ્યુ. કમિશનરને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત ફલાયઓવર બ્રિઝને જામ રણજીતસિંહજીનું નામ આપવા પણ માંગણી કરી છે.
નવા ફલાય ઓવરની કામગીરી 100 ટકા પુરી થઈ ગઈ છે. તેને પણ મહિના જેટલો સમય થવા આવ્યો છે. આવા આ ફ્લાય ઓવરનું લોકાર્પણ મોટા નેતાના હસ્તે કરાવવા આતુર મહાનગરપાલિકાના શાસકો લાંબા સમયથી જુદા-જુદા બહાના હેઠળ લોકાર્પણની તારીખ જાહેર કરવાનું પાછળ ઠેલ્વે રાખતા હતા. છેલ્લે આજે તા.21મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ફલાય ઓવરનું લોકાર્પણ કરવા માટેનું જાહર કર્યું હતું પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિત રહયા હોવાથી જામનગરના કાર્યક્રમને મોકૂફ રખાયો છે. હવે આ ફલાય ઓવર બ્રિઝ ક્યારે ખુલ્લો મુકાશે, તે અધ્ધરતાલ છે.
આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ મ્યુનિ કમિશનરને પત્ર પાઠવી આગામી 30 તારીખ સુધીમાં તેનું ઉદ્ઘાટન નહીં કરવામાં આવે, તો પ્રજાને સાથે રાખીને તેનું ઓપનિંગ કરી લેવામાં આવશે. ઉપરાંત બ્રિજનું માજી રાજવીના નામથી લોકાર્પણ કરવાની પણ છે પત્રમાં માંગણી કરી છે.

