Gujarat

IDને કારણે રાજકોટમાં ક્રિકેટના કરોડોના સટ્ટાનાં વળતાં પાણી શરૂ

By GS TEAM
28 Oct 20253 mins read
IDને કારણે રાજકોટમાં ક્રિકેટના કરોડોના સટ્ટાનાં વળતાં પાણી શરૂ

પકડાઇ જવાથી પંટરો પૈસા અને આબરૂ બંને ગુમાવે છે

પોલીસ પાસે ખંખેરાઈ જવાના ડરે રાજકોટના બુકીઓનું નવું સરનામું હવે દુબઇ, મુંબઇ અને ગોવા 

રાજકોટ: રાજકોટમાં  લાખો-કરોડો રૂપિયાનો ક્રિકેટનો સટ્ટો રમાય છે.  આઈડીનાં કારણે હવે તેનાં વળતા પાણી શરૂ થયાં છે. પંટરો ક્રિકેટનાં સટ્ટાથી ધીરે-ધીરે વિમુખ થઈ રહ્યા છે.

ક્રિકેટનાં સટ્ટા સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યું કે અગાઉ મોબાઇલ ફોન પર ક્રિકેટનાં સોદા થતા હતા. જેને કારણે સોદા કરનાર પંટર જે નંબર પર સોદા કરતો તેને પોતાનાં મોબાઇલમાંથી ડિલીટ કરી શકતો હતો. ત્યાર પછી આઈડી સિસ્ટમ આવતા પંટરને નાછૂટકે મોબાઇલમાં આઈડી રાખવી પડતી હતી. જેને કારણે પોલીસ મોબાઇલ ચેક કરે ત્યારે પકડાઇ જતા હતા. આ સ્થિતિમાં પોલીસ તે પંટર સામે કેસ કરે ન કરે તેને ખંખેરતી અચૂક હતી.

આઈડી આપનાર બૂકીને પણ પોલીસ ખંખેરતી હતી. જે રકમ ઘણી વખત છ  આંકડામાં રહેતી હતી.  પરિણામે પંટરોને મોટી રકમ ચૂકવવી પડતી હતી. સાથોસાથ કેસ થાય તો બદનામી પણ વ્હોરવી પડતી હતી.

 કોઇપણ જુગારનો વણલખ્યો નિયમ હોય છે કે તેમાં પંટરો એટલે જુગારીયાઓને સરવાળે પૈસા ગુમાવવા જ પડે છે. જુગારમાં છેલ્લે બૂકીઓ જ કમાતા હોય છે. આ નિયમ ક્રિકેટનાં સટ્ટામાં પણ લાગુ પડતો હોવાથી સમય જતાં પંટરો પાયમાલ થતા ગયા હતા અને તેની સામે બૂકીઓ કરોડપતિ થતાં ગયા છે.

 આ બધા કારણોસર પંટરો હવે ક્રિકેટ પર સટ્ટો રમવા બાબતે નિરસ થઇ ગયા છે.  હાલમાં ક્રિકેટનો ૮૦ ટકા સટ્ટો આઇડી પર અને ૨૦ ટકા સટ્ટો ફોન પર સોદા મારફત થાય છે.

બૂકીઓની વાત કરીએ તો ક્રાઇમ બ્રાંચનાં અંદાજ મુજબ રાજકોટમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતાં બૂકીઓની સંખ્યા ૧૦૦થી વધુ છે. રાજકોટનાં ટોચ લેવલનાં ગણાય તેવા બૂકીઓએ દુબઈની વાટ પકડી છે.  તેની નીચેનાં લેવલનાં બૂકીઓનું મુંબઇ અને ગોવા નવું સરનામું બન્યું છે. મુંબઇ અને ગોવામાં બૂકીઓ ફલેટ કે હોટલનાં રૂમ ભાડે રાખી પોલીસના ડર વગર સટ્ટો રમાડી રહ્યા છે.

જે  નાનાપાયે સટ્ટો રમાડે છે તેવા બૂકીઓએ પણ રાજકોટને અલવિદા કહી ગીર સોમનાથ, પોરબંદર અને જામનગર જેવા શહેરોમાંથી સોદો લેવાનું શરૂ કર્યું છે. એવી પણ ચર્ચા છે કે, 'સિસ્ટમ' બંધ હોવાથી હવે બૂકી કે પંટર પકડાય ત્યારે પોલીસ મોટુ મોઢુ ફાડે છે. આ કારણથી પણ બૂકીઓએ હવે રાજકોટમાં રહી સોદા લેવાનું બંધ કર્યું છે.

પોલીસ સાથે ગોઠવણ એટલે 'સિસ્ટમ', તેમાં ધંધાની વણલખી છૂટ

રાજકોટ: શહેરમાં એક સમયે પોલીસની 'મંજૂરી'થી સટ્ટો  રમાતો હતો. જેને પોલીસની ભાષામાં 'સિસ્ટમ' કહેવાય છે. 'સિસ્ટમ'માં રહેનાર બૂકીઓને નક્કી કરેલો હપ્તો દર મહિને પોલીસને ચૂકવવો પડતો હતો. બદલામાં તે બૂકીને 'ધંધો' કરવા માટે પીળો પરવાનો આપી દેવાતો હતો. આવા બૂકીઓ પોલીસનાં ડર વગર સટ્ટો રમાડતા હતા. તેમની પાસે સટ્ટો રમનાર પંટરોને પણ પોલીસ નહીં પકડે તેવી ખાતરી અપાતી હતી, પરંતુ છેલ્લા ઘણાં સમયથી નવા આવેલા પોલીસ અધિકારીઓએ આ 'સિસ્ટમ' બંધ કરાવી દેતા બૂકીઓએ ધીરે ધીરે રાજકોટમાંથી 'હિજરત' શરૂ કરી દીધી હતી. આ જ કારણથી હવે મોટાભાગના બુકીઓ રાજકોટ છોડી બીજા શહેરો કે દેશોમાંથી ઓપરેટ કરી રહ્યા છે. 

'સિસ્ટમ'માં રહેતા બૂકીઓનું લિસ્ટ ભૂલથી જાહેર થઇ ગયું હતું

રાજકોટ: એક સમયે પોલીસની મંજૂરીથી ક્રિકેટ પર સટ્ટો રમાતો હતો. જેને કારણે 'સિસ્ટમ'માં રહેલા બૂકીઓનું લીસ્ટ એક વખત એક પોલીસ અધિકારીએ ભૂલથી વોટ્સએપ પર શેર કરી દીધું હતું. છાનેખૂણે સહુ કોઇ જાણતા હતા કે પોલીસની મંજૂરીથી જ ક્રિકેટનો સટ્ટો રમાય છે. પરંતુ  લીસ્ટ જાહેર થઇ જતાં જ તેની પુષ્ટિ થઇ ગઇ હતી. જો કે તે અધિકારીને ભૂલનું ભાન થતાં થોડીક વારમાં જ લીસ્ટ ડીલીટ કરી નાખ્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.