હું તારી પત્નીને તારાં ઘરે આવીને તેડી જઇશ
1 માસ પહેલાં લગ્ન કરનાર પરિણીતાના પતિને ધમકી : પરિણીતાએ લગ્ન પહેલાં મિત્ર રહેલા શખ્સના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધું
રાજકોટ, : એક મહિલાના લગ્ન થઇ ગયા બાદ તેના અગાઉના મિત્રએ તેના પતિને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ચાલુ રાખતા મહિલાએ કંટાળીને ફીનાઇલ પી લીધી હતી. જે અંગે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે એકાદ માસ પહેલા તેના લગ્ન થયા હતા. તે પહેલા ઘરે ઇમિટેશનની મજૂરી કરતી ત્યારે સુરેશ સાથે મિત્રતા થઇ હતી. લગ્ન બાદ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતાં. આમ છતાં સુરેશે ગઇ તા. 13ના રોજ તેના પતિને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં કોલ કરી તેના પોતાની સાથેના સંબંધ વિશે વાત કરી કહ્યું કે તારી પત્ની મારી પત્ની છે, હું તારી પત્નીને તારી ઘરે આવી તેડી જઇશ, બીજા પાસે તારા ટાંટિયા ભંગાવી નાખીશ. ત્યાર પછી ગાળો ભાંડી હતી. આ રીતે સુરેશ અવારનવાર તેના પતિને કોલ કરી હેરાન કરતો હતો. જે અંગે તેના પતિએ તેને વાત કરી હતી. જેથી કંટાળીને ગઇકાલે તેણે ફીનાઇલ પી લીધી હતી. જ્યાં જઇ ગાંધીગ્રામ-૨ પોલીસે સુરેશ નામના શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.