ભારત- ન્યૂઝીલેન્ડ વચ્ચે શરુ થઈ રહેલી વન ડે સિરીઝની વડોદરામાં રમાનારી પ્રથમ મેચ પુર્વે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ યોજી ટીમની તૈયારીઓ પર પ્રકાશ પાડી મેચમાં સારું પ્રદર્શન કરીને ક્રિકેટચાહકોને યાદગાર ક્ષણો આપવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
યુવાસ્ટાર બેટ્સમેન શુભમન ગિલે કહ્યું કે, ક્રિકેટનું કોઈ પણ ફોર્મેટ સરળ નથી અને મોટી આઈસીસી ટૂર્નામેન્ટ જીતવા માટે સતત મહેનત, તૈયારી અને માનસિક મજબૂતી જરૂરી હોય છે. જો કોઈ ફોર્મેટ સરળ હોત તો ભારત દર બે વર્ષે વર્લ્ડ કપ જીતતું હોત. ઈજાના સમયગાળા વિશે કહ્યું કે, ટીમ સાથે ન હોઈ શકવું અને મહત્વની મેચો ચૂકી જવી ચોક્કસપણે નિરાશાજનક હોય છે.
વધુમાં ઉમેર્યું હતું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મહાન ખેલાડીઓ ટીમમાં હોઈ ત્યારે યુવા ખેલાડીઓ માટે પરિસ્થિતિ સરળ બની જાય છે. ટીમમાં સકારાત્મક વાતાવરણ છે અને નેટ્સથી લઈને મેચ સુધી દરેક ખેલાડી એકબીજાને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. પાછલી સિરીઝોમાં ટીમનું પ્રદર્શન એનું જીવંત ઉદાહરણ છે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં શ્રેષ્ઠ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતારવા સજ્જ છે. હું ટી-૨૦ ટીમને ઘણી બધી શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ આપણા માટે વર્લ્ડ કપ જીતીને લાવે.
ન્યુઝીલેન્ડ સામે રમવાની યાદો હંમેશા ખાસ રહી છે. મારો ડેબ્યુ પણ તેમની સામે જ થયો હતો. ન્યુઝીલેન્ડ એક મજબૂત ટીમ છે અને તેમની સામે રમવા માટે હું હંમેશા ઉત્સાહિત રહું છું. અમે વડોદરા એરપોર્ટ પર આવ્યા ત્યારે એવું લાગ્યું હતું કે જાણે અમે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોઈએ. ટીમની કોશિશ રહેશે કે મેચમાં સારું પ્રદર્શન કરીને તેમને ઘણી યાદગાર ક્ષણો આપી શકીએ. હું પ્રથમ વખત આ સ્ટેડિયમમાં રમી રહ્યો છું અને આ ખૂબ જ શાનદાર સ્ટેડિયમ છે. ખાસ કરીને અહીં રિકવરી રૂમ અને અન્ય સવલતો છે, તે સામાન્ય રીતે દરેક સ્ટેડિયમમાં જોવા નથી મળતી. ગ્રાઉન્ડ અને પ્રેક્ટિસ વિકેટ્સ પણ સારી છે.


