Gujarat

કેન્ટીનમાં વિદ્યાર્થિનીની છેડતી બાદ પણ યુનિ.કેમ્પસમાં આઈ કાર્ડ ચેકિંગ નથી થતું

By GS TEAM
17 Dec 20251 min read
કેન્ટીનમાં વિદ્યાર્થિનીની છેડતી બાદ પણ યુનિ.કેમ્પસમાં આઈ કાર્ડ ચેકિંગ નથી થતું

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં વિદ્યાર્થિનીની બહારના યુવાન દ્વારા થયેલી ખુલ્લેઆમ છેડતી બાદ પણ યુનિવર્સિટી સત્તાધીશો જાગ્યા નથી.યુનિવર્સિટીમાં આટલી ચોંકાવનારી ઘટના બાદ પણ આઈ કાર્ડ ચેકિંગ થઈ રહ્યું નથી. એક તરફ વિદ્યાર્થીઓને પાંચ વર્ષથી આઈ કાર્ડ અપાયા નથી તો બીજી તરફ  વિદ્યાર્થીઓના મોબાઈલમાં તેમના સ્ટુડન્ટ આઈડીમાંથી આઈ કાર્ડ ડાઉનલોડ કરવામાં આવ્યું છે કે નહીં તેની તસ્દી પણ લેવામાં આવી રહી નથી.

સૂત્રોનું કહેવું છે કે, યુનિવર્સિટીમાં અત્યારે સિક્યુરિટી ઓફિસર જ નથી.ઉપરાંત ઓએસડી, સિક્યુરિટીની મહત્વની જગ્યા ખાલી છે. ઉપરાંત વર્તમાન સિક્યુરિટીની જગ્યાએ નવી સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં પણ વિલંબ થઈ રહ્યો છે.હકીકત એ છે કે, સત્તાધીશો પાસે  કેમ્પસને સુરક્ષિત કેવી રીતે રાખવુ તેનો રોડ મેપ જ નથી.યુનિવર્સિટી હેડ ઓફિસમાં બેસી રહેતા અધિકારીઓને કેમ્પસમાં ખાડે ગયેલી સુરક્ષા વ્યવસ્થાની પડેલી જ નથી.કેમ્પસમાં પ્રવેશવાના ૩ દરવાજા છે અને આ ત્રણે દરવાજા પર કોઈ પ્રકારનું ચેકિંગ કે આવનારાઓની પૂછપરછ થતી હોવાનું કેટલાક વર્ષોથી જોવા મળ્યું નથી.સિક્યુરિટી પાછળ થતા કરોડોના નિરર્થક ખર્ચ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.