હું આત્મહત્યા કરવા જાઉં છું આરોપીનો વીડિયો વાયરલ
પેટલાદના દારૂના ગુનામાં શખ્સ ફરાર
પોલીસે મહી બ્રિજ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી પરંતુ પગેરું મળ્યું નહીં
પેટલાદના બૂટલેગર મોહસીનમીયાં લિયાકતમીયાં ઉર્ફે એલ.કે. મલેકે બહારથી વિદેશી દારૂ મંગાવી પેટલાદના વિવિધ સ્થળોએ દારૂ છુપાવ્યો હતો. આ અંગે બાતમીના આધારે એસઓજીએ પેટલાદ ટાઉન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલના ઘરમાં દરોડો કરી પોલીસ કર્મીને રૂ.૩.૬૩ લાખના દારૂ સાથે ઝડપી પાડયો હતો. બાદમાં એલસીબી, એસઓજી અને ટાઉન પોલીસે અન્ય સ્થળોએથી દારૂ સાથે શખ્સોને ઝડપ્યા હતા. અત્યારસુધીમાં રૂ.૨૫ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કરી સાત શખ્સો સામે ગુનો નોંધાયો છે. તેવામાં આરોપીઓ પૈકી ફરાર સાજીદખાન ઉર્ફે અરબડી ડોસુખાન પઠાણ (રહે. પેટલાદ)એ પોતે આપઘાત કરવા જતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. કોઈ બ્રિજ ઉપર પહોંચી, હું આત્મહત્યા કરવા જાઉં છું, મારા ઘરવાળાની જવાબદારી જેણે પણ આ કામ કરાવ્યું છે, તેની રહેશે કહી, બે શખ્સોનું નામ સંબોધી, જેણે પણ આ કામ એલસીબી, એસઓજીમાં કરાવ્યું છે, તેનું નામ લેજો, મારૂં નામ ખોટી રીતે ન લેશો તેમ વીડિયોમાં જણાવ્યું હતું. વીડિયોના આધારે વાસદ પોલીસે મહીસાગર બ્રિજ તથા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ કંઈ મળી આવ્યું ન હતું.