પતિના આડાસંબંધોનો ભાંડો ફૂટતા પત્ની પર અત્યાચાર, ત્રણ સામે ફરિયાદ

દીકરીનો જન્મ થતાં વર્તન બદલાઈ ગયું
પિતાના મૃત્યુ બાદ આર્થિક સહાય બંધ કરતા સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૃ કરવામાં આવ્યું ઃ પોલીસની તપાસ
હાલમાં સમાજમાં મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે
ત્યારે ગાંધીનગર નજીક આવેલા સરગાસણમાં રહેતી યુવતીએ ભરૃચમાં રહેતા સાસરીયાઓ દ્વારા
ત્રાસ આપવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે તેણીના લગ્ન આઠ વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ મૂળ મહેસાણાના અને
હાલ ભરૃચ ખાતે રહેતા પરિવારના યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ વર્ષ ૨૦૨૧માં તેણીએ એક
દીકરીને જન્મ આપ્યો હતો અને ત્યારથી જ પતિ અને સાસરીયાઓનું વર્તન બદલાયું હતું.
તેણીના પતિને રેલવેમાં નોકરી મળતા પરિવાર ભરૃચ રહેવા માટે ગયો હતો. આ દરમિયાન તેનો
પતિ છેલ્લા ત્રણ વર્ષથી અન્ય કોઈ યુવતીના સંપર્કમાં હતો અને બંને વચ્ચે આડા સંબંધો
હતા. જેની જાણ પરણીતાને થઈ જતા પતિની પૂછપરછ કરી હતી અને તેના કારણે ઉશ્કેરાઈ જઈને
તેની સાથે મારઝૂડ કરી હતી. એટલું જ નહીં તેણીના પતિ પ્રાઇવેટ નોકરી કરતા હતા અને
તે દરમિયાન આ પરણીતાના પિતા આથક મદદ કરતા હતા પરંતુ તેમના અવસાન બાદ આ મદદ બંધ થઈ
જતા સાસુ અને સસરાનો ત્રાસ વધ્યો હતો અને તેણીને ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું
હતું. દરમિયાનમાં મૂંગા મોઢે સહન કરતી પરણીતાએ આખરે આ સમગ્ર ઘટના સંદર્ભે ભાઈને
જાણ કરી હતી અને ભાઈએ ઘરે આવીને સમજાવ્યા હતા પરંતુ તેમના વર્તનમાં કોઈ સુધારો થયો
ન હતો. જેથી કંટાળીને આખરે તેણીએ પતિ તેમજ સાસુ,સસરા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.








