ટ્રેનોમાં પ્રવાસીઓનો સામાન ચોરી કરતાં પતિ-પત્નીની ધરપકડ
અમદાવાદના બંટી-બબલીએ ટ્રેનોમાં કરેલી ચોરીના ત્રણ ભેદ ખૂલ્યા
વડોદરા,તા.7 લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓનની ઊંઘનો લાભ ઉઠાવી કિંમતી સામાન તફડાવતી બંટી બબલીની જોડીને વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ના પાર્કિંગમાં એક યુવક અને યુવતીને રેલવે એલસીબીના સ્ટાફે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયા હતાં. તેઓની પાસેથી ત્રણ મોબાઇલ, રોકડ, લેડિસ પર્સ સહિત રૃા.૪૩૫૩૦ની મત્તા મળી હતી. આ અંગે બંનેની પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેથી બંનેની કડકાઇથી તપાસ કરતા તેઓની પાસેનો સામાન ચોરીનો હોવાની કબૂલાત કરી હતી.
વડોદરા રેલવે સ્ટેશન પર ઊભી રહેતી ટ્રેનોમાંથી અથવા ચાલુ ટ્રેનમાં ઊંઘતા પ્રવાસીઓ પાસેથી તેમજ પ્લેટફોર્મ પરથી ચોરી કર્યા હોવાનું બંનેએ પોલીસને જણાવ્યું હતું. બંનેના નામ પૂછતાં સુનિલ ભરતભાઇ ચુનારા (રહે.પેલેડીયમ મોલ પાસે, ઝાયડસ બ્રિજ નીચે, વસ્ત્રાપુર) અને તેની પત્ની તેજલ હોવાનું જાણવા મળ્યું હતું. બંનેએ કરેલી ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. તેઓ અન્ય ગુનાઓમાં સંડોવાયા છે કે નહી તે અંગે રેલવે પોલીસ તપાસ કરી રહી છે.