કાનિયાડ ગામે પત્નીની હત્યા કરનાર પતિનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
- પત્નીની હત્યા કરી પતિ નાસી ગયો હતો
- બોટાદ નજીક ટ્રેક નીચે પડતું મુક્યું : પોલીસે કબજો લઈ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો
બોટાદના કાનિયાડ ગામે રહેતાં ભરત રામભાઈ ખાચરે ગત સોમવારની રાત્રે પોતાના ઘરે નજીવી તકરારમાં તેમના બન્ને પુત્રવધૂની હાજરીમાં પત્ની મધુબેન (અંદાજે ઉ.વ.૪૫)ની છરીના એકથી વધુ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી.અને હત્યા બાદ ઓસરીમાં પડેલાં લોહીના ડાઘને પાણી છાંટી સાફ કરી પુરાવાનો નાશ કર્યો હતો. જો કે, આ દરમિયાન તેમનો પુત્ર હસ્તીરાજભાઈ આવી જતાં હત્યારો પિતા ઘર છોડી નાસી છૂટયો હતો અને બોટાદ જઈને રેલવે ટ્રેક નીચે પડતું મુકી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતાં જ ધોળા રેલવે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. બીજી તરફ, ઘટનાની જાણ થતાં પત્નીના હત્યારા પતિની શોધખોળ કરતી પાળિયાદ પોલીસ પણ અને મૃતકના પરિવારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે પાળિયાદ પીઆઈએ પત્નીની હત્યા કરનાર પતિએ પણ આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું.