ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ

વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાના હીંમતપુરા ગામની સીમના એક ખેતરમાં પત્નીની હત્યા કરી પતિ રાજસ્થાન ભાગી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ 53 વર્ષના મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુશલગઢ તાલુકામાં જાપામહુડી ગામે રહેતો હરચન્દ ઉર્ફે હર્ષદ જોખા વસુનીયા વાઘોડિયા તાલુકાના હીંમતપુરા ગામની સીમમાં જીવણભાઈ મથુરભાઈ પરમારના ખેતરમાં 45 વર્ષની પત્ની લક્ષ્મી સાથે કામ કરવા માટે આવ્યો હતો. રાજસ્થાનના પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા ઉશ્કેરાયેલા પતિએ પતિને ઢોર માર મારી હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
પીોલીસે મૃતક મહિલાનું પીએમ કરાવતા રિપોર્ટમાં ઢોરમાર મારવાથી લીવર અને પેટમાં આંતરડા ડેમેજ થતા મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાએ અગાઉ ત્રણ લગ્ન કર્યા બાદ આ ચોથા લગ્ન હતા. જેમાં પણ વારંવાર કંકાસના કારણે આખરે જીવનો અંત આવ્યો છે. પત્નીની હત્યા કર્યા બાદ રાજસ્થાન ફરાર થઈ ગયેલા પતિને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો.

