મધરાતે પત્ની પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતો પતિ
તું મને છોડીને પિયર જતી રહી હતી, આજે તને ખતમ કરી દઇશ
વડોદરા,રાતે ઘરે સૂતી પત્નીને ઉઠાડી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર પતિ સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
કિશનવાડી વુડાના મકાનમાં રહેતી પરિણીતાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન મે - ૨૦૧૧ માં સંજય રામસિંગભાઇ વણજારા (રહે. ગામ નાડા,તા.શેહરા,જિ.પંચમહાલ) સાથે થયા હતા. અમે સંયુક્ત પરિવારમાં રહેતા હોઇ અવાર - નવાર ઝઘડા થતા હતા. મારા પતિ અવાર - નવાર મને શારીરિક અન માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હતા. જાન્યુઆરી - ૨૦૨૫ માં હું મારા ભાઇના ઘરે જતી રહી હતી. ત્યારબાદ અમારા વચ્ચે સમાધાન થઇ જતા અમે ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. બે દિવસ પહેલા હું ઘરે સૂતી હતી. રાતે એક વાગ્યે મારા પતિ મને ઉઠાડીને કહેવા લાગ્યા હતા કે,તું મને છોડીને તારા પિયર જતી રહી હતી.તે મને ખૂબ જ માનસિક ત્રાસ આપ્યો છે. આજે હું તને નહીં છોડું. તને ખતમ કરી નાંખીશ. મારા દિયરે પણ મારા પતિની ચઢમણી કરી હતી. મેં બૂમાબૂમ કરતા તેઓ ભાગી ગયા હતા.