આણંદથી પતિએ સાસરીમાં ટપાલ મોકલી પત્નીને તલાક આપી દીધા
સાસરીમાં તાવ બાદ પિયરમાં આવેલી યુવતીના સસરાએ અગાઉ લગ્ન તોડવા માટે કહ્યું હતું
વડોદરા, તા.6 વડોદરાના હાથીખાના વિસ્તારમાં રહેતી પરિણીતાને લગ્નના બે વર્ષમાં જ આણંદમાં રહેતા પતિએ ટપાલ દ્વારા તલાક આપી દેતા આ અંગે મુસ્લિમ અધિનિયમ હેઠળ પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.
હાથીખાના વિસ્તારમાં મહાવત ફળિયામાં રહેતા શાદીયા વ્હોરાએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ઉશામા આરીફ વ્હોરા (રહે.તવક્કલનગર સોસાયટી, ઇસ્માઇલનગરરોડ, ભાલેજરોડ, આણંદ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર-૨૦૨૩થી મારા પિતા સમીર અબ્દુલમજીદ વ્હોરા સાથે પિયરમાં રહું છું. તા.૨૨ મે ૨૦૨૩ના રોજ મારા લગ્ન ભાંડવાડા વિસ્તારમાં સગુન હોલ ખાતે ઉશામા વ્હોરા સાથે થયા બાદ હું સાસરીમાં સંયુક્ત કુંટુંબમાં રહેતી હતી.
છ માસ સાસરીમાં રહ્યા બાદ મને તાવ આવતા બે દિવસ સાસરીમાં સારવાર કરાવ્યા બાદ મારા દિયર મને મારા પિયરમાં મૂકી ગયા હતાં. શરૃઆતમાં પતિ મારી ખબર જોવા માટે આવતા હતા બાદમાં આવવાનું બંધ કરી દીધું હતું. ૨૦ દિવસ પહેલાં મારા સસરાનો મારા પિતા પર ફોન આવ્યો હતો અને તમારી દીકરી સારી નહી થાય તેથી હવે સંબંધીઓને ભેગા કરીને છૂટું કરી દઇએ તેમ જણાવ્યું હતું. સસરાના ફોનના ચાર દિવસ બાદ મારા પિયરના સરનામે મારા પતિએ એક ટપાલ મોકલી હતી. આ ટપાલ ખોલીને જોતા તેમાં મારા પતિએ તલાક..તલાક..તલાક.. હું શાદીયા સમીર વ્હોરાને તલાક આપું છું તેવો ઉલ્લેખ હતો. ઉપરોક્ત વિગતોના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.