કાનિયાડ ગામે પતિએ છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

- પરિવારમાં બે પુત્રવધુની હાજરીમાં ઘરમાં જ ખેલાયો ખૂની ખેલ
- હત્યાના કારણને લઈ રહસ્ય : હત્યા બાદ ઓશરીમાં પડેલાં લોહીને પાણીથી ધોઈ પુરાવાનો નાશ કરી પતિ ફરાર
બોટાદના કાનિયાડ ગામે રહેતાં ભરત રામભાઈ ખાચર ગત મોડીરાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેમના બન્ને પુત્રવધુની હાજરીમાં પત્ની મધુબેન (અંદાજે ઉ.વ.૪૫) સાથે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાઈને પતિ ભરતે પત્નીને માથાથી લઈ શરીરના વિવિધ અંગો પર છરીના આડેધડ ઘા ઝીંકી દિધા હતા. બનાવની જાણ થતાં જ તેમનો પુત્ર હસ્તીરાજભાઈ વાડીએથી ઘરેથી દોડી આવ્યો હતો. ત્યારે, પિતા હુમલા બાદ ઘરની ઓશરીમાં પડેલાં લોહીને પાણીથી સાફ કરી રહ્યા હતા. જયારે, માતાને લોહીયાળ ઈજા થતાં તે નજીકમાં બેશુદ્ધ અવસ્થામાં હોવાથી તેમને સારાવારાર્થે બોટાદની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, પત્ની પર હુમલો કરી હત્યારો પતિ નાસી છૂટયો હતો. બનાવની જાણ થતાં જ પાળિયાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકના પુત્ર હસ્તીરાજભાઈની ફરિયાદના આધારે તેના પિતા ભરત રામભાઈ ખાચર વિરૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુનો નોંધી તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, પતિએ કયા કારણોસર પત્નીની હત્યા કરી છે તેનું કારણ હજુ સ્પષ્ટ થયું ન હોવાનું પાળિયાદ પીઆઈએ જણાવ્યું હતું. આરોપીની અટક બાદ હત્યાનું કારણ સ્પષ્ટ થશે તેમ તેમણે જણાવ્યું હતું.








