Gujarat

સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

By GS TEAM
16 Jun 20251 min read
સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

- પતિના મૃત્યુ બાદ કુટુંબી દિયર સાથે દિયરવટુ વળ્યું હતું

- પરિણીતા સાથે પતિ અવર નવાર ઝઘડો કરતો હોય પત્ની રિસામણે ચાલી ગઈ હતી

ભાવનગર : દિયરવટુ વાળીને લાવેલી પત્ની રિસામણે ચાલી જતા પરત લેવા માટે ગયેલા પતિએ પત્ની અને તેના ભાભીને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વડવા ચોરા ભાવસાર શેરીમાં રહેતા અલ્પાબેન યોગેશકુમાર દુધરેજીયાના પતિ યોગેશકુમાર દસ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા.પતિના મૃત્યુ બાદ કુટુંબી દિયર વિરલ સંજયભાઈ દુધરેજીયા સાથે અલ્પાબેનનું દિયરવટુ વળાવવામાં આવ્યું હતું.પરતુ પતિ વિરલ અવર નવાર ઝઘડો અને માથાકૂટ કરતા હોય અલ્પાબેન પોતાના પિયર નારી ગામે રિસામણે આવી ગયા હતા.દરમિયાનમાં નારી ગામે આવેલા ઘરે અલ્પાબેન અને તેના ભાભી અમીબેન નિરંજનભાઈ ગોંડલીયા હાજર હતા. તે વખતે પતિ વિરલ સંજયભાઈ દુધરેજીયા ઘરે આવી અલ્પાબેન સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગ્યો હતો. અને અલ્પાબેનને તેની સાથે ઘરે લઈ જવાનું દબાણ કર્યું હતું. અલ્પાબેને સાથે જવાની ના પાડતા વિરલને સારું નહીં લાગતા ગાળો આપવા લાગ્યો હતો.દરમિયાનમાં વિરલે નેફામાંથી છરી કાઢી અલ્પાબેન અને ભાભીને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ઘમકી આપી ત્યાંથી નાસી ગયો હતો.ઇજાગ્રસ્ત અલ્પાબેન અને ભાભી અમીબેનને સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતા.આ બનાવ સંદર્ભે અલ્પાબેને પતિ વિરલ વિરુધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.