પત્નીને ભરણ પોષણ ન ચૂકવતા પતિને 5 વર્ષથી વધુની કેદ

- મહીસાગર ફેમિલી કોર્ટનો હુકમ
- આણંદના જીટોડિયા રોડ ખાતે રહેતો આગરવાળા ગામનો પતિ ભૂગર્ભમાં
આગરવાળા ગામના વતની સ્નેહલ ભાનુપ્રસાદ મહેતા (હાલ રહે. જીટોડિયા રોડ, તુલસી શ્યામ બંગ્લોઝ, આણંદ)ના લગ્ન વીરપુર તાલુકાના વરધરા ખાતે હરિષચંદ્ર કાંતિલાલ જોષીની પુત્રી મેનકાબેન સાથે આશરે ૨૦ વર્ષ અગાઉ થયા હતા. તેમને સંતાનમાં પુત્ર પાર્થનો જન્મ થયો હતો. બાદમાં મેનકાબેનને ખુબ જ ત્રાસ સાથે હેરાનગતિ કરી પતિએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. કંટાળી પત્નીએ ભરણ પોષણની અરજી કરી હતી. કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ભરણ પોષણની રકમ સ્નેહલ ભાનુપ્રસાદ મહેતા ચૂકવતો ન હતો કે કોર્ટમાં પણ હાજર રહેતો ન હતો. લુણાવાડા ફેમિલી કોર્ટ દ્વારા સ્નેહલ ભાનુપ્રસાદ મહેતા સામે પત્નીને ભરણ પોષણની ચડત રકમ મેળવવા બે અરજી કરવામાં આવી હતી. જે મહીસાગર ફેમિલી કોર્ટમાં ચાલી જતા આરોપી સ્નેહલ ભાનુપ્રસાદ મહેતાને કોર્ટે પાંચ વર્ષ, ત્રણ માસ અને પચીસ દીવસની સાદી જેલની સજા કરવાનો હુકમ કર્યો છે. હાલ આરોપી ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.








