Get The App

વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા 1 - image

Vapi Court : વાપીના ડુંગરા ડુંગરી ફળિયામાં વર્ષ 2021માં પત્નીના આડા સંબધનો વહેમ રાખી પત્નીની ઘાતકી હત્યા કર્યાના ગુનામાં વાપી કોર્ટે આરોપી પતિને ફાંસીની સજા ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. સાથે કોર્ટે રૂ.5 હજારનો દંડની જોગવાઈ કરી છે.

 કેસની વિગત એવી છે કે વાપીના ડુંગરા ગામે ડુંગરી ફળિયામાં ચંન્દ્રકેશ યાદવની ચાલીમાં રહેતા લક્ષ્મીકાંત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વકર્માને પત્ની સાધનાદેવીનો અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા ગઈ હતી. પત્નીના આડા સંબંધનો વહેમ રાખી અવર નવર ઝઘડો કરી ત્રાસ ગુજારતો હતો. પત્ની પર શંકા રાખી ઉશ્કેરાયેલા લક્ષ્મીકાંતે ગત તા.16-9-21ના રોજ નિંદ્રામાં પોઢી રહેલી પત્ની સાધનાદેવી પર છરા વડે ઘાતકી હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું.

 પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ લક્ષ્મીકાંત વિશ્વકર્માની ધરપકડ કરી જેલભેગો કર્યા બાદ ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ રાકેશ ચાંપાનેરીયાએ પીએમ રિપોર્ટ, અનેક લોકોની જુબાની સહિત સજ્જડ પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલો કરી હતી. કોર્ટના જજ પુષ્પા સૈનીએ આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્માને તકસીરવાર ઠેરવી ફાંસી (મૃત્યુદંડ)ની સજા ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે.

આરોપીએ કોઈને ગંધ નહીં જાય તે રીતે માથુ નાળામાં ફેંકી દીધું હતું

આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્માએ પત્નીના આડા સંબંધના વહેમામાંછરા વડે પત્ની પર હુમલો કરી માથું ધડથી છૂટુ કરી દીધા બાદ કોઈને ગંધ નહી જાય તે રીતે ડુંગરા મુખ્ય માર્ગ પર આવેલી મચ્છીમારકેટ નજીક નાળામાં માથું ફેંકી દીધું હતું. ચાલી માલિક ચન્દ્રકેશ યાદવે લક્ષ્મીકાંતના હાથમાં છરો અને માથું જોતા એક ક્ષણે ગભરાય ગયો હતો. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે હત્યારા પતિ લક્ષ્મીકાંતની ધરપકડ કરી નાળામાંથી મૃતકનું માથું શોધી કાઢ્યું હતું.