દિવાળી પર્વે પિયર જવાની બાબતે થયેલી તકરાર બાદ પત્નીને કેરોસીન નાખી સળગાવનાર પતિને 10 વર્ષની સખત કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના આલમગીર ગામે 5 વર્ષ અગાઉ દિવાળી પર્વે પત્નીએ પિયર જવાનું કહેતા થયેલી તકરારમાં આવેશમાં આવી પતિએ કેરોસીન નાખી દિવાસળી ચાંપી પત્નીને સળગાવી દેતા પત્નીનું મોત નીપજ્યું હતું. જે અંગેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને સાપરાધ મનુષ્ય વધના કેસમાં દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ. 50 હજારનો દંડ તેમજ બાળકની માતાનું નિધન થયું હોય તથા પિતાને સજા થતાં બાળકના સારા ભવિષ્ય અને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત વિકટીમ કંપેન્સેશન સ્કીમની જોગવાઈ મુજબ રૂ.7 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો.
ગઈ તા. 23/ 10 /2020ના રોજ બપોરે આલમગીર ગામે પત્નીએ પતિને દિવાળી માટે પિયરમાં જવા કહેતા દંપતિ વચ્ચે તકરાર થતા પતિએ પત્ની ઉપર કેરોસીન નાખી દીવાસળી ચાપી સળગાવી દીધી હતી. અને પુત્ર તથા પાડોશી મહિલાએ પાણી નાખી આગ ઓલવી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા. મહિલા 85 ટકા જેટલી ગંભીર રીતે જ દાઝી જવાથી સારવાર દરમિયાન તા.12 /11/2020ના રોજ મહિલાએ દમ તોડ્યો હતો. જેથી આરોપી સામે વરણામા પોલીસ સ્ટેશનને હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી 40 વર્ષીય નટુભાઈ જીવણભાઈ નાયક (રહે-અલકાપુરી ફળિયુ, આલમગીર ગામ, વડોદરા)ની ધરપકડ કરી જ્યુ. કસ્ટડી હેઠળ જેલમાં ધકેલ્યો હતો. આ કેસની સુનાવણી સ્પેશિયલ પોક્સો જજ અને એડિ. સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલની કોર્ટમાં હાથ ધરાતા બચાવ પક્ષની દલીલો થઈ હતી કે, રસોઈ બનાવતા સમયે જાતે દાઝી ગયેલ છે. મે પાણી નાખી આગ ઓલવી હતી. મને ખોટી રીતે સંડોવી દીધો છે. જ્યારે ફરિયાદ પક્ષ તરફે એપીપી એચ.આર.જોશીની દલીલો થઈ હતી કે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂના મૃતકના મરણોન્મુખ નિવેદનથી તથા બાળ સાક્ષીની કોર્ટ રૂબરૂની જુબાનીથી ફરિયાદ હકીકતને સમર્થન મળે છે. આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગંભીર ગુનો કર્યાનો આરોપ હોય સખત સજા થવી જોઈએ. કોર્ટે 20 સાક્ષીઓના મૌખિક પુરાવા, દસ્તાવેજી પુરાવા, કબ્જે કરેલ મુદ્દામાલનું અવલોકન કરવા સાથે નોંધ્યું હતું કે,આરોપીનું મારવાનું કોઈ પ્લાનિંગ ન હતું. બંને વચ્ચે ઝઘડો થતાં આવેશમાં આવી પત્નીને સળગાવી દીધી હતી. પરંતુ ,આરોપીના નોલેજમાં તે હકીકત હતી કે, પત્નીને સળગાવી દેવાથી તેનું મૃત્યુ થશે. આરોપીના સળગેલા કપડાથી તથા તેના દાજી ગયેલા પગથી જણાઈ આવે છે કે, ઘટના બાદ આરોપીએ તેની પત્નીને બચાવવાની કોશિશ કરી હતી. આવા કિસ્સાઓ સમાજમાં વધતા જાય છે અને જે એક સમાજ માટે સમસ્યા છે. જેથી દોષિતને દાખલા રૂપ સજા કરવી જોઈએ.









