Gujarat

કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણા પત્ર મૂકી મેસેજ કર્યા

By GS TEAM
30 Nov 20252 mins read
કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણા પત્ર મૂકી  મેસેજ કર્યા

વડોદરા,લગ્નના ૧૭ વર્ષ દરમિયાન મોટા ભાગનો સમય  પતિ અને સાસરિયાઓના ત્રાસમાં ગુજારનાર પરિણીતાએ છેવટે મહિલા  પોલીસ સ્ટેશનમાં પતિ,સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. 

વડસર વિસ્તારમાં રહેતી  મહિલાએ  પોલીસ  ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મારા લગ્ન નવેમ્બર ૨૦૦૮ માં અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ચિંતન ભૂપેન્દ્રભાઇ મહેતા સાથે થયા હતા. લગ્ન પછી અમે ગાંધીનગર સંયુક્ત પરિવારમાં રહેવા માટે ગયા હતા.લગ્નના બીજા દિવસથી જ સાસુએ નાની બાબતોમાં ઝઘડા શરૃ કર્યા હતા.મારા સાસુને હું પસંદ નહતી. લગ્નમાં મળેલું કરિયાવર તેઓને ઓછું લાગતું હતું. અવારનવાર પિયરમાંથી કિંમતી વસ્તુઓ લાવવા માટે દબાણ કરી  હેરાન કરતા હતા. દીકરીનો જન્મ થયા પછી સાસરિયાઓ દ્વારા વધુ ત્રાસ આપવાનું શરૃ થયું હતું. છેલ્લા ૧૨ વર્ષથી અમે વડોદરામાં રહીએ છીએ. બીજી દીકરીનો જન્મ થતા તેઓને ગમ્યું નહતું. મારા પતિ મને તથા દીકરીઓને એકલા છોડી માતા પિતા સાથે ગાંધીનગર રહેવા જતા રહ્યા છે.ધંધો શરૃ કરવા માટે પિયરવાળા પાસેથી રૃપિયા લાવવાનું મારા  પતિ કહેતા હતા. છૂટાછેડા આપવાની હું ના પાડું તો મારા પતિ મારઝૂડ કરતા હતા. મારા પતિ અમારા કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સનો ઘોષણા પત્ર મૂકી ખરાબ મેસેજ કરે છે. તેમજ અલગ- અલગ  પોલીસ સ્ટેશનમાં મારા વિરૃદ્ધ ખોટા આક્ષેપોવાળી ફરિયાદ કરે છે. મારા  પતિ કહે છે કે, રાજા સાહેબને કહીને તને હું જેલમાં નખાવી દઇશ. ગાંધીનગર સચિવાલયમાં અમારો પાણીનો મોટો બિઝનેસ છે. અમારા ઓળખીતા અધિકારીઓ અને મંત્રીઓ છે. એક ફોન કરીને તને જેલમાં નખાવી દઇશ. પોલીસે પતિ ચિંતન, સસરા ભૂપેન્દ્રભાઇ મહેતા ( ધંધો.  કરિયાણાની દુકાન) તથા સાસુ રેખાબેન (તમામ રહે. ગણેશ સીટાડેલ, રાયસણ, ગાંધીનગર) સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે