Gujarat

હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

By GS TEAM
5 Oct 20251 min read
હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

- મહામંત્રી જશુબેન પટેલના પતિએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવ્યું

હળવદ : હળવદમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના પતિએ અગમ્ય કારણોસર માલગાડી નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે આરપીએફ તથા આજુબાજુના લોકો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશને ૧૦૮ મારફતે પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા શાંતિલાલ નરસિંહભાઈ પટેલ (ઉં.વ.૫૮) શુક્રવારે સાજે ૭.૩૦ વાગ્યાની આજુબાજુ કોઈ અગમ્ય કારણોસર માર્કેટિંગ યાર્ડ સામે  રેલવે ફાટક પાસે માલગાડી ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા આરપીએફના જવાનો  આજુબાજુના સ્થાનિક લોકો તેમજ સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આધેડે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે મૃતક શાંતિલાલ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જશુબેન પટેલના પતિ હોય રાજકીય આગેવાનો, પાટિદાર સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. શાંતીલાલના મોતનાં સમાચારથી પરિવારમાં શોકનુ મોજું વ્યાપી જવા પામ્યુ હતું.