પત્નીની નજર સામે પતિને છરીના બે જોરદાર ઘા ઝીંકીને ઘાતકી હત્યા
જસદણના દેવપરા ગામનો અરેરાટીજનક બનાવ
પત્ની સાથે પ્રેમસંબંધ હોવાથી પતિએ આપેલા ઠપકાનાં મનદુઃખમાં પ્રેમી શખ્સે ખૂની ખેલ ખેલ્યો, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
જસદણ તાલુકાના દેવપરા ગામે રહેતાં હંસાબેન સદાદીયા (ઉ.વ.૫૩)એ પોતાના દીકરા જેરામ વલ્લભભાઇ સદાદીયાની હત્યા કરી નાખવા મામલે જસદણના ભાવેશ ધીરૂભાઇ કુકડીયા નામના શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પોતાના પતિની બન્ને કિડની ખરાબ હોવાથી પથારીવશ છે. તેમના નાના દીકરા અજયનું વાહન અકસ્માતમાં અવસાન થયું હતું. જ્યારે મોટા દીકરા જેરામનાં લગ્ન આઠ વર્ષ પહેલા ગોંડલાધારની સુરતી નામની યુવતી સાથે લગ્ન થયા હતા. જેમાં તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો જરામ અને પુત્રવધુ સુરતી લગ્નના બે વર્ષ બાદ જસદણ રહેતાં મુળ બરવાળાના ભાવેશ ધીરૂભાઇ કુકડીયા સાથે કેટરર્સમાં કામે જતાં હતાં. જે દરમિયાન ભાવશેને સુરતી સાથે પ્રેમસંબંધ થયો હતો. જેની પતિ જેરામને ખબર પડતા પત્ની સુરતીને સમજાવી હતી અને ભાવેશને ઠપકો આપ્યો હતો.
બાદમાં પત્ની સુરતી રીસામણે ચાલી જતાં બન્ને સંતાનો દાદા-દાદી સાથે રહેતા અને પુત્ર વાડીએ રહેતો. ગત અષાઢી બીજ સમયે પત્ની સુરતી પરત આવી ગઈ હતી અને વાડીએ પતિ જેરામ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન સોમવારે રાતે દોઢ વાગ્યે પ્રેમી ભાવેશ કુકડીયા વાડીએ પહોંચ્યો હતો અને બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈને પત્ની સુરતીની નજર સામે જ પતિ જેરામને છાતી અને પડખામાં છરીના બે જોરદાર ઘા ઝીંકીને હત્યા કરી નાસી છૂટયો હતો. આ મામલે ઇન્ચાર્જ પીઆઇ એસ.આર. ગોહિલે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપી ભાવેશ ધીરૂભાઇ કુકડીયાની શોધખોળ હાથ ધરી હતી.