ઓખાના મારૂતિનગર વિસ્તારનો ચકચારી બનાવ 3 મહિના પૂર્વે કોર્ટમેરેજ કર્યા બાદ રીસામણે જતી રહેલી પત્નીનાં માવતરે જઈને શરીરે પેટ્રોલ છાંટી પતિનો અગનખેલ
જામ ખંભાળિયા, : ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંને અલગ થઈ ગયા હતાં. પરંતુ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના ઘરે આવીને પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી લીધા બાદ પત્નીને પણ બાથ ભીડતા આ દંપતી ઉપરાંત બચાવવા જતા સાસુ પણ દાઝી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
વિગત મુજબ ઓખામાં મારૂતિનગર પાછળના ભાગે રામદેવપીરના મંદિર પાસે રહેતા મીનાબેન વિરજીભાઈ ચૌહાણની 23 વર્ષની પુત્રી ઉમલાએ ત્રણેક માસ પૂર્વે ઓખામાં કાર્બન સોસાયટી ખાતે રહેતા જય સુરેશભાઈ બારીયા નામના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. થોડા દિવસો સુધી બંને સાથે રહ્યા બાદ ઉમલા અને જયનેગૃહકંકાશ થયો હતો. જેથી ઉમલા છેલ્લા દસેક દિવસથી તેણીના માતા મીનાબેનના ઘરે રહેવા આવી ગઈ હતી.
આ દરમિયાન મંગળવાર તા. 11ના રોજ ઉમલાના પતિ જય એકાએક તેના સાસુ મીનાબેનના ઘરે આવ્યો હતો. પેટ્રોલના કેન સાથે આવેલા જયે સૌ પ્રથમ પોતાના શરીરે પેટ્રોલ છાંટી અને દીવાસળી ચાંપી, આગજની કરી હતી. આ પછી તેણે પોતાના પત્ની ઉમલાને પણ પોતાની બાથમાં લઈ લેતા બંને ભડભડ સળગવા લાગ્યા હતા. આ દરમિયાન અહીં રહેલા યુવતીના માતા મીનાબેને બંનેને છોડાવવા જતા આ દંપતી સાથે તેણી પણ શરીરને દાઝી ગયા હતા. આ બનાવમાં તેમના ઘરમાં રહેલો કેટલોક સામાન બળી જતા નુકસાની થવા પામી હતી.
આમ, આ આગના ખેલમાં દંપતિ તેમજ મહિલાને દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉમલાબેનએ અગાઉ અન્ય એક યુવાન સાથે લગ્ન કર્યા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને એક બાળકનો જન્મ થયો હતો. આ બનાવ અંગે મીનાબેન ચૌહાણની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે જય સુરેશભાઈ બારીયા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે આ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે


