Gujarat

પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખીને પતિ દારૃ પી માર મારતો

By GS TEAM
20 Jun 20252 mins read
પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખીને પતિ દારૃ પી માર મારતો

બીજા લગ્ન બાદ પણ યુવતીને સુખ મળ્યું નહીં

સાસુ પણ પુત્રનું ઉપરાણું લઈને ત્રાસ આપતા ઃ આખરે કંટાળીને મહિલા પોલીસ મથકમાં બે સામે ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રહેતી યુવતીના બીજા લગ્ન બાદ પણ પતિનું સુખ મળ્યું નહીં અને આડા સંબંધની વહેમ રાખી પતિ દારૃ પી આવીને માર મારતો. આખરે કંટાળીને આ યુવતીએ મહિલા પોલીસ મથકમાં પતિ અને સાસુ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

છેલ્લા થોડા સમયથી પારિવારિક અત્યાચારની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામ તાલુકાના ગામમાં રહેતી યુવતી પણ અમદાવાદ દસકોઈ તાલુકાના ગામમાં રહેતા પતિ અને સાસુના ત્રાસનો ભોગ બની છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે આ યુવતીના અગાઉ લગ્ન થયા હતા પરંતુ પતિ સાથે મનમેળ નહીં થતા છૂટાછેડા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના દસકોઈ તાલુકાના ગામમાં રહેતા યુવાન સાથે તેણીના લગ્ન ફુલહારથી કરવામાં આવ્યા હતા. જો કે આ યુવાનના પણ બીજા લગ્ન હતા. જે લગ્નજીવનથી તેણે એક બાળકને પણ જન્મ આપ્યો હતો. લગ્નના શરૃઆતના દિવસોમાં તેણીને પતિ અને સાસુએ સારી રીતે રાખ્યા હતા પરંતુ થોડા સમય પછી પતિ આડા સંબંધોનો વહેમ રાખી, દારૃ પીને ઝઘડો કરી ગાળો બોલતો હતો અને મારઝૂડ પણ કરતો હતો. તેને ઘરમાંથી પણ કાઢી મૂકતા અને તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.જ્યારે આ બાબતે તેમના સાસુને ફરિયાદ કરતા, ત્યારે સાસુ તેમના પુત્રનો પક્ષ લઈને મેણાં-ટોણાં મારતા અને ગાળો બોલતા હતા. સાસુ ઘરકામ બાબતે પણ તેમને હેરાન-પરેશાન કરતા હતા. ગયા ભાઈબીજના તહેવાર પર પિતા અને તેમના પિતરાઈ ભાઈ તેમના ઘરે આવ્યા હતા. તેઓના ગયા બાદ, પતિએ ઝઘડો કર્યો કે તારા પિયરીયા કેમ મારા ઘરે આવે છે? એમ કહીને મારઝૂડ કરી હતી. આખરે આ પ્રકારના ત્રાસી કંટાળીને પિયરમાં આવેલી યુવતીએ પતિ અને સાસુ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.