Gujarat

અનૈતિક સંબંધ રાખવાની ના પાડતી પત્નીને મારઝૂડ કરતો પતિ

By GS TEAM
7 Jul 20252 mins read
અનૈતિક સંબંધ રાખવાની ના પાડતી  પત્નીને મારઝૂડ કરતો પતિ

 વડોદરા,અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધ રાખવાની ના પાડતી પત્નીને પતિ મારઝૂડ કરતો હતો અને વિેદેશ જવાના ખર્ચ માટે પિયરમાંથી પૈસા લઇ આવવાનું કહી સાસુ,સસરા ત્રાસ ગુજારતા હતો. જેથી, કંટાળીને પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. 

અમદાવાદ નાના ચિલોડા બંશરી હાઇટ્સમાં રહેતા રવિ શંભુભાઇપટેલે અટલાદરા  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું જમાલપુર એ.એમ.ટી.એસ. ડેપો ખાતે સુપરવાઇઝર છું. મારી બહેન રિદ્ધિબેનને  અમારા પટેલ સમાજના પાર્થ મહેન્દ્રભાઇ પટેલ (રહે. આમ્રપાલી રેસિકોમ, સનફાર્મા રોડ) સાથે પ્રેમ સંબંધ હતો. તે સંબંધથી પરિવાર પણ રાજી હતો. પાર્થને વિદેશ જવાનું  હોઇ મારી બહેન સાથે વર્ષ - ૨૦૨૨ માં કોર્ટ મેરેજ કર્યા  હતા. ત્યારબાદ ફેબુ્રઆરી મહિનામાં સમાજના રિત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજ કર્યા પછી મારી બહેનના સાસરીવાળા  પાર્થને વિદેશ મોકલવાનો છે. તેવું કહીને દહેજની માંગણી કરતા હતા. મારી બહેન જ્યારે ઘરે આવતી ત્યારે જણાવતી  કે, પાર્થ મારી સાથે નાની વાતોમાં ઝઘડા કરે છે.સમાજના રિત રિવાજ મુજબ ફેબુ્રઆરી- ૨૦૨૫ માં  લગ્ન કર્યા તે સમયે અમે ૧૦ તોલા સોનુ આપ્યું હતું. ત્યારબાદ પણ મારી બેહનને સાસરીવાળા ત્રાસ આપતા હતા. 

મારી બહેન પિયર આવતી ત્યારે કહેતી હતી કે, પાર્થને અન્ય એક યુવતી સાથે અનૈતિક સંબંધો છે. તે બાબતે હું સમજાવુ ત્યારે તે મારઝૂડ કરે છે. ત્રાસથી કંટાળીને મારી બહેન ૨૦ દિવસ પહેલા પિયર આવી હતી. ૧૫ દિવસ સુધી તે રહી હતી. સમાજના આગેવાનોએ મારી બહેનના સાસરીવાળાને બોલાવી સમજાવી ત્રાસ નહીં આપવા માટે વાતચીત કરી હતી.  ત્યારબાદ મારી બહેનના સાસુ,સસરા અને પતિ ગત તા. ૨૯ મી જૂને મારી બહેનને તેડી ગયા હતા. પરંતુ, સાસરીવાળાના ત્રાસથી કંટાળીને મારી બહેને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.