સંતાનોને મળવા સાસરીમાં ગયેલી પરિણીતા પર પતિનો હુમલો
પતિ પાસે ભરણપોષણ મેળવવા માટે પત્નીએ કોર્ટમાં કેસ કર્યો છે
વડોદરા,પતિ સાથે ઝઘડો થતા પિયરમાં રહેવા જતી રહેલી પત્ની ત્રણ દિવસ પહેલા સાસરીમાં સંતાનોને મળવા આવતા પતિએ ડંડા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના અમીરગંજમાં રહેતા કવિતાબેન સિસોદીયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ - ૨૦૦૬ માં મકરપુરા આમ્ર રેસિડેન્સીમાં રહેતા મોહનસિંઘ સિસોદીયા સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન બં સતાનો છે. પતિ સાથે અવાર - નવાર ઝઘડા થતા હોઇ હું પિયરમાં રહેવા જતી રહી હતી અને પતિ સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. ગત ૭ મી તારીખે કોર્ટની મુદ્દતમાં હું તથા મારી માતા આવ્યા હતા. કોર્ટની મુદ્દત પૂરી થયા પછી હું તથા મારી માતા સંતાનોને મળવા માટે આમ્ર રેસિડેન્સીમાં ગયા હતા. મારા પતિએ તું મારા ઘરે કેમ આવી ? તેવું કહીને ઝઘડો કરી માર માર્યો હતો. ડંડા વડે મને માર મારી મારા વાળ ખેંચી ઘરની બહાર કાઢવા માટે ધક્કા માર્યા હતા. મારી માતા છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ આરોપીએ માર માર્યો હતો. તમે બંને ઘરની બહાર નીકળી જાવ. નહીંતર તમને જાનથી મારી નાંખીશ. તેવી ધમકી પણ આપી હતી.