Gujarat

પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર પતિની ધરપકડ

By GS TEAM
31 Oct 20251 min read
પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર પતિની ધરપકડ

 વડોદરા,ગોરવામાં રહેતી પરિણીતાએ સાસરિયાઓના દહેજના ત્રાસથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી પતિને ઝડપી પાડયો છે. જ્યારે અન્ય સાસરિયાઓની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતી પૂજા નામની યુવતીના લગ્ન પ્રમોદ ગોપાલભાઇ પાટિલ સાથે થયા હતા. મૂળ જલગાંવમાં રહેતા પ્રમોદ અને પૂજા હાલમાં ગોરવા શાક માર્કેટ  પાસે દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા હતા. લગ્નના અઢી વર્ષ દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. પતિ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ કહેતો હતો કે, હું તને ઘરમાં રાખીશ નહીં અને  તારે જીવ ખોવાનો વારો આવશે. મકાન માટે  પ્લોટ ખરીદવા માટે પરિણીતાને પિયરમાંથી ૧૦ લાખ લઇ આવવા માટે સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. ત્રાસથી  કંટાળીને પરિણીતાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પરિણીતાના ભાઇ તુષાર પાટિલની  ફરિયાદના આધારે ગોરવા  પોલીસે પ્રમોદ ગોપાલભાઇ પાટિલ (રહે. દર્શન એપાર્ટમેન્ટ, ગોરવા), ગોપાલભાઇ રામચંદ્રભાઇ પાટિલ (રહે. ઘાડવેલ તા.ચોપડા,જિ.જલગાંવ, મહારાષ્ટ્ર) તથા હેમાંગી નિલેશભાઇ પાટિલ (રહે. ઇ.વી. પાટિલ સર બાલ મોહન શાળાની પાછળ, જલગાંવ, મહારાષ્ટ્ર) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.