પરિણીતાની બહેનપણીના ચક્કરમાં ફસાયેલા પતિને પરિણીતાએ પાઠ ભણાવ્યો,આખરે ભૂલ કબૂલી માફી માંગી
વડોદરાઃ શહેરમાં પતિ,પત્ની ઓર વોહના એક કિસ્સામાં પતિની હરકતોથી તંગ આવી ગયેલી પત્નીએ અભયમની મદદ લઇ પતિને પાઠ ભણાવતાં આખરે તેણે પોતાની ભૂલ કબૂલી લઇ માફી માંગી હતી.
માણેજા વિસ્તારમાં રહેતી પરિણીતા તેના પતિ સાથે સુખી દાંપત્યજીવન વીતાવતી હતી.આ દરમિયાન તેની ખાસ બહેનપણી જ નડતરરૃપ બની હતી.ઘેર મળવા માટે આવતી બહેનપણીનો પરિણીતાએ જ પતિ સાથે પરિચય કરાવ્યો હતો.
ત્યારબાદ પતિ અને બહેનપણીએ મોબાઇલ નંબરની આપલે કરી હતી.બંનેની આંખો મળી જતાં બહેનપણીની આવજા વધી હતી,જ્યારે પતિ પણ ઘેર વધુ રોકાવા માંડયો હતો.બંને જણા મેસેજો પર અને મોબાઇલ પર લાંબી વાત કરતા હોવાથી પરિણીતાને શંકા ગઇ હતી.તેણે પતિને બહેનપણીથી દૂર રહેવા કહેતાં પતિએ તારો વહેમ દૂર કર તેમ કહી ઠપકો આપ્યો હતો.
પરંતુ પરિણીતા સબંધો જાણી ચૂકી હતી અને રિસાઇને પિયર ચાલી ગઇ હતી.ત્યારપછી જાણે પતિને મોકળું મેદાન મળી ગયું હોય તેમ તેના વર્તનમાં કોઇ ફેર પડયો નહતો.આખરે પરિણીતાએ અભયમનો સંપર્ક કરી આપવીતી કહેતાં પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું.જે દરમિયાન કાયદાકીય રીતે ગુનો બનતો હોવાનું કહેતાં પતિએ ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી લીધી હતી.