દારૃ ઝડપાયાના દોઢ વર્ષ બાદ અમદાવાદના દંપતીની ધરપકડ

વડોદરા, તા.11 વડોદરા-હાલોલરોડ પર બિશ્નોઇ ગેંગની દારૃ ભરેલી ગાડી ઝડપાવાના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર અમદાવાદના પતિ અને પત્નીને જિલ્લા પોલીસે ઝડપી પાડયા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ લીલોરા ગામના પાટિયા પાસે તા.૬ મે ૨૦૨૪ના રોજ પોલીસે રૃા.૩.૮૪ લાખ કિંમતનો દારૃ ભરેલી એક ગાડી ઝડપી પાડી હતી. રાજસ્થાનની બિશ્નોઇ ગેંગ દ્વારા સપ્લાય થતો દારૃનો જથ્થો અમદાવાદ, ગાંધીઘામ પહોંચાડવાનો હતો તેવી વિગતો બહાર આવી હતી અને તપાસ દરમિયાન અમદાવાદના બે શખ્સો ફરાર જાહેર કરાયા હતાં.
દરમિયાન જિલ્લાના પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી માહિતીના આધારે અમદાવાદના તુલસીપાર્ક સામે ન્યુ સ્કવેર હોમની પાસે રશ્મિ પ્લેટેનિયમ ખાતેથી અમર ઉર્ફે લલ્લુ અશોક પંજવાણી અને તેની પત્ની કોમલ (બંને રહે.રાજાવીર સર્કલ પાસે, કુબેરનગર, અમદાવાદ)ને ઝડપી પાડયા હતાં. બંનેને વડોદરા લાવીને જરોદ પોલીસને સોંપી દેવાયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે દંપતી સામે અમદાવાદના સરદારનગર, ચિલોડા અને વટવા જીઆઇડીસીમાં આઠ ગુના નોંધાયા છે.








