- ઘરકંકાસથી કંટાળીને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચા
- બનાવના દિવસે સવારે પતિએ માર માર્યો હોવાનું બહાર આવ્યું, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
નડિયાદ : અરજણપુર કોટ ગામે ૨૨ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે મૃતકના કાકાએ ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
નડિયાદ તાલુકાના આલજડા ગામના રહીશ રસિકભાઈ જુગાભાઈ ચૌહાણની ભત્રીજી કોમલના લગ્ન વર્ષ ૨૦૨૧માં અરજણપુર કોટના પ્રીતેશ વિજયભાઈ ડાભી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને દોઢ વર્ષનો પુત્ર પણ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન બાદ કોમલને તેના પતિ પ્રીતેશ અને સાસુ કૈલાશબેન દ્વારા ઘરકામ બાબતે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગે કોમલ જ્યારે પિયર જતી ત્યારે પરિવારને જાણ કરતી હતી, પરંતુ સંસાર ન બગડે તે હેતુથી પરિવારે તેને સમજાવીને પરત સાસરીમાં મોકલી હતી.
શુક્રવારની રાત્રિના સમયે કોમલના સસરાએ તેના પિયર પક્ષને ફોન કરીને જાણ કરી હતી કે, કોમલે ગળેફાંસો ખાધો છે. પરિવારે ત્યાં પહોંચીને જોયું તો કોમલનો મૃતદેહ પલંગ પર હતો અને પંખા પર સાડી બાંધેલી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બનાવના દિવસે સવારે પણ કોમલને તેના પતિએ માર માર્યો હતો. સાસરિયાઓના સતત ત્રાસ અને ઝઘડાઓથી કંટાળીને અંતે કોમલે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે ચકલાસી પોલીસે પ્રીતેશ વિજયભાઈ ડાભી અને કૈલાશબેન વિજયભાઈ ડાભી વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


