સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં પતિએ પત્નીને તરછોડી
પુત્રને જન્મ આપવા પણ પરિણીતાને દબાણ કરવામાં આવતું
દાગીના પડાવી લઈને દહેજ પેટે ૨૦ લાખ રૃપિયાની માંગણી પણ કરવામાં આવતી ઃ મહિલા પોલીસમાં ફરિયાદ
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં રહેતી પરિણીતાનો ઘર સંસાર પતિના અનૈતિક સંબંધોને કારણે તૂટયો છે. એટલું જ નહીં પુત્રને જન્મ આપવા માટે દબાણ કરી આ પરણીતાને ૨૦ લાખ રૃપિયાની માગણી કરી શારીરિક માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો છેવટે કંટાળીને તેણીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી અમેરિકા રિટર્ન પતિ સામે તપાસ શરૃ કરી છે.
છેલ્લા થોડા સમયથી સમાજમાં અનૈતિક સંબંધોને કારણે પરિવારો તૂટી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીનગર શહેરમાં બનવા પામ્યો છે જ્યાં અહીં રહેતી પરણીતાના લગ્ન આજથી ૨૦ વર્ષ અગાઉ વાવોલ ખાતે રહેતા યુવાન સાથે થયા હતા અને આ લગ્નજીવનથી તેમણે એક બાળકીને જન્મ પણ આપ્યો છે. આ દંપતી અમેરિકા રહેવા માટે ગયું હતું અને ત્યારબાદ ત્યાંથી પરત ફર્યું હતું જોકે પરિણીતાએ વર્ષ ૨૦૧૦માં બાળકીને જન્મ આપતા પતિ દ્વારા તેણીને મહેણાં મારીના ત્રાસ આપવામાં આવતો હતો અને પુત્ર જન્મ આપવા માટે દબાણ કરવામાં આવતું હતું તો જોકે તેણી ઘરસંસાર બગડે નહીં તે માટે પતિનો ત્રાસ સહન કરતી હતી. એટલું જ નહીં પતિ દ્વારા તેના ૫૦ તોલા સોનાના દાગીના અને અગત્યના ડોક્યુમેન્ટ પણ લઈ લેવામાં આવ્યા છે અને તેણીને તેના પિતાના ઘરેથી ૨૦ લાખ રૃપિયા લઈ આવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું તો આ પરણીતાના ભાઈની પત્ની સાથે પતિએ અનૈતિક સંબંધ શરૃ કર્યા હતા અને તેના કારણે તેમનું ઘર પણ તૂટી ગયું હતું ત્યારે ગત જુલાઈ મહિનામાં દહેજની માંગણી કરીને આ પરણીતાને માર મારવામાં આવ્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી ત્યારથી તે પિતાના ઘરે રહે છે અને ત્યારબાદ પતિને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે નહીં માનતા આખરે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.