Get The App

ચરેડી છાપરાની ૧૨૦૦ કરોડની જમીન ઉપર ફરીવાર સેંકડો ઝુપડાં બંધાઇ ગયાં

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ચરેડી છાપરાની ૧૨૦૦ કરોડની જમીન ઉપર ફરીવાર સેંકડો ઝુપડાં બંધાઇ ગયાં 1 - image

પાટનગરમાં દળી દળીને ઢાંકણીમાં જેવો તાલ ફરી સર્જાયો

બુલડોઝરો ચલાવીને દાયકાઓ જુના દબાણો તોડી સવા લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરીને ફરતે પાર્ટિશન વોલ બાંધવા પછી જૈસૈ થે

ગાંધીનગર :  પાટનગરમાં સોના જેવી કિંમતી સરકારી જમીનોને દબાણોથી મુક્ત કરવા તાજેતરમાં મેગા ડિમોલીશન ચલાવીને ૧૨૦૦ કરોડ ઉપરાંત કિંમતની સવા લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઇ હતી. ફરી દબાણો ન ખડકાય તેના માટે લાખ્ખો રૃપિયાના ખર્ચે પાટશન વોલ પણ બાંધી દેવાઇ હતી. પરંતુ ચરેડી છાપરાના આ વિસ્તારમાં જ્યાંથી ખસેડયા હતાં, ત્યાંજ ફરી સેકંડો ઝુંપડા બંધાઇ જતાં દળી દળીને ઢાંકણીમાં જેવો તાલ સર્જાયો છે.

રહેણાંક, વાણિજ્ય અને ધામક સહિતના હેતુના સેંકડો દબાણો અત્યાર સુધીમાં સંખ્યાબંધ વખત ખસે઼ડવામાં આવ્યાં છે. પરંતુ સમયાંતરે પાટનગરમાં દબાણ હટાવ ઝુંબેશ, દબાણ હટાવો અભિયાન અને મેગા ડિમોલીશન નામના ગતકડાં ચલાવવાની પ્રથા પડી ગઇ છે. આમ થવા પાછળનું સૌથી મોટું કારણ અહીં દબાણો તોડવા માટે તંત્ર છે, પરંતુ દબાણો થતાં અટકાવવા માટે કોઇ તંત્ર નથી. પરિણામે એવા કિસ્સા પણ ભૂતકાળમાં બન્યાં છે, કે દબાણો હટાવવામાં આવ્યા બાદ ગણતરીના કલાકોમાં ફરી ગોઠવાઇ ગયા હોય. છેલ્લે ઓક્ટોબર મહિનામાં જાણે મહા મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. તેના અંતર્ગત ચરેડી છાપરા વિસ્તાર અને પેથાપુરમાં મળીને રહેણાંક, વાણિજ્ય અને ધામક સહિતના ૧ હજાર ઉપરાંત દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતાં. આ સાઇટ પર હજુ પણ કાટમાળના ઢગલા જેમના તેમ પડી રહ્યાં છે. ખુલ્લી થયેલી જમીનમાં ફરી દબાણકારો ઘુસણખોરી કરે નહીં તેના માટે લાખ્ખો રૃપિયાનો ખર્ચ કરીને પાટશન વોલ પણ બાંધી દેવામાં આવી છે. પરંતુ આ દિવાલની સુરક્ષા વચ્ચે અંદરની બાજુએ સેંકડો ઝુંપડા ફરીથી ખડકાઇ ગયાં છે.

અસંખ્ય અનુભવો છતાં દબાણ થતાં અટકાવવાની દરકાર નહીં

પાટનગર જ્યારે ૩૦ સેક્ટર પુરતુ સિમિત હતું ત્યારે શહેરમાં કોઇપણ જગ્યાએ દબાણ ન થાય તે જોવાની જવાબદારી સેક્ટરોની ઇન્કવાયરી ઓફિસના સેક્શન ઓફિસરની નિયત કરાયેલી હતી. આ જોગવાઇ આજે પણ અમલમાં છે. પરંતુ તેનો અમલ કરવા અને કરાવવામાં આવતો નહીં હોવાથી અને દબાણકારો પાસેથી બપ્તા વસૂલવા જેવી હીન પ્રવૃતિ પણ ચાલતી હોવાથી શહેરનું કોઇ સેક્ટર વિવિધ હેતુના દબાણોથી મુક્ત રહ્યું નથી. ચરેડી છાપરાના કિસ્સામાં તેની વધુએક સાબિતી સરકારને મળી છે.

લાખેણી પાર્ટિશન વોલ બંધાતા દબાણકારો વધુ સુરક્ષિત બન્યાં

ખુલ્લી સરકારી જમીનોમાં દબાણકારોની ઘુસણખોરી રોકવા માટે છેલ્લા દાયકાઓ દરમિયાન તાર ફેન્સિંગ કરવામાં આવતી હતી. પરંતુ સવારે બાંધેલી તારની વાડ સાંજે હતી ન હતી કરીને દબાણકારોઘુસી જતા હતાં. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે આખરે વધુ ખર્ચ કરીને બંધાતી સિમેન્ટ કોન્ક્રિટના પાટિયાની ઉંચી પાટશન વોલ બાંધવાનું શરૃ કરવામાં આવ્યું છે. તેના પાછળ લાખ્ખો રૃપિયા ખર્ચાઇ રહ્યાં છે. પરંતુ પાટશન વોલ બંધાતા દબાણકારો વધુ સુરક્ષિત બન્યાં છે. બહારથી કોઇ ઝુંપડા દેખાતા નથી.