અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીને રક્ષતા ઓઝોન પડમાં માનવોએ ગાબડું પાડયું
આજે વિશ્વ ઓઝોન ડે, 1994થી ઉજવાય છે, 1987 માં મોન્ટ્રીઅલ પ્રોટોકોલ : ઓઝોન પડ પાતળુ પડે તો ગ્લોબલ વોર્મિંગ વધે,જીવન બને દોહ્યલું, એ.સી., ફ્રીજ, અગ્નિશમન સાધનો, વોટરકૂલર વગેરેથી પડ તૂટે છે
રાજકોટ, : સૂર્યના કિરણો જો પૃથ્વી ઉપરના કુદરતી ઓઝોન પડ વગર ધરતી પર આવે તો ચામડીના કેન્સરથી માંડીને અનેક ગંભીર રોગો સાથે જીવન જ મૂશ્કેલ બની જાય. સૂર્યના પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ રેઝ) અને તેમાં ખાસ કરીને યુવીબી વેરિયેન્ટના ઘાતક કિરણોને પૃથ્વી પર આવતા રોકવાનું કામ ધરતીથી 10-15 કિ.મી.થી 50 કિ.મી.ઉંચે આવેલું ઓઝોન લેયર કરે છે. પરંતુ, ભૌતિક વિકાસની સાથે એરકન્ડીશનર સહિતનો ઉપયોગ વધતા આ ઓઝોનનું પડ પાતળુ બની રહ્યું છે અને તેમાં ગાબડું પડી રહ્યું છે. ગત વર્ષે પૃથ્વી પર 248 લાખ કિ.મી.નું વિશાળ ઓઝોન ગાબડું વૈજ્ઞાાનિકોએ નોંધ્યું હતું.
ઓઝોન પડ પાતળુ થાય એટલે સૂર્યના પારજાંબલી કિરણો મનુષ્ય સહિત જીવસૃષ્ટિ માટે સહ્ય ન રહે તેવા જલદ બની જાય છે અને તેનાથી અનેક ગંભીર રોગો ઉપરાંત જો આ લેયર ધરતી નજીક આવે તો ગ્રીન હાઉસ ઈફેક્ટથી ગ્લોબલ વોર્મિંગ થવાની અને તેના પગલે ઋતુચક્ર વેરવિખેર થવાનું ગંભીર જોખમ રહ્યું છે.
પૃથ્વીની રક્ષા કરતા ઓઝોન પડને સાચવવા 16 સપ્ટેમ્બર 1987માં વિવિધ દેશો વચ્ચે હસ્તાક્ષરો થયા જેને મોન્ટ્રીઅલ પ્રોટોકોલ કહે છે. ત્યારબાદ ઈ.સ. 1987માં વિશ્વના 150 દેશોએ ઓઝોન પડને નુક્શાન કરતા ક્લોરોફ્લોરોકાર્બન (સીએફએસ)ને ઘટાડીને જાકારો આપવા નિર્ણય લીધો હતો. ભારત સરકાર પણ આ દિશામાં ગંભીર છે અને ઈ.સ. 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઈ.સ.2023 એટલે કે આગામી વર્ષ સુધીમાં સીએફએસનું પ્રમાણ ઘટાડવા રાષ્ટ્રીય નીતિ નક્કી કરવા નિર્ણય લેવાયો છે તથા આ માટે ઈ.સ. 2024 સુધીમાં કાયદાઓ પણ ઘડવામાં આવશે. ગુજરાત રાજ્યએ પણ ક્લાઈમેટ ચેન્જ માટે ઈ.સ. 2009થી ખાસ વિભાગ સરકારમાં કાર્યરત કર્યો છે જેનું મુખ્ય કામ પણ આ જ રહેશે.
ઓઝોનનું પડ પાતળુ કરતા હાનિકારક પદાર્થોન્ ઓ.ડી.એસ.( ઓઝોન ડિપ્લેશન સબસ્ટાન્સીઝ) કહે છે અને આ પદાર્થો એરકન્ડીશનરો, અગ્નિશામક ઉપકરણો, ફીણનો ફૂવારો છાંટવાના સાધનો, ભેજ ઓછો કરવા માટેના ડીહ્યુમીડીફાયર, વોટર કૂલર, બરફ બનાવવાના મશીનો, કોમ્પ્રેસર, છંટકાવ કે સફાઈના પદાર્થો ઓગાળવાના સોલવન્ટ, શ્વાસોશ્વાસના કૃત્રિમ યંત્રો વગેરેમાં વપરાય છે. પૃથ્વીને અને પોતાને બચાવવા તેનો ઉપયોગ ઘટાડવો અનિવાર્ય છે. અને ખાસ કરીને ઓઝોનનું પડ જાળવવા સાથે જીવનદાતા ઓક્સીજનનું પ્રમાણ જાળવવા વૃક્ષોનું પ્રમાણ વધારવાની અને વાયુ પ્રદુષણ ઘટાડવાની અનિવાર્યતા છે.