તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ
લખતર તાલુકાના તલસાણા ગામમાં
100 વર્ષથી યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન કર્યા અને બાવનગજની ધ્વજાઓ ચઢાવી
સુરેન્દ્રનગર - લખતર તાલુકાના તલસાણા ગામે તલસાણીયા મહાદેવનું પૌરાણિક મંદિર આવેલુ છે. તલસાણીયા મહાદેવના મંદિર ખાતે દર વર્ષની અષાઢ વદ અમાસના દિવસે છેલ્લા ૧૦૦ વર્ષ કરતા વધુ સમયથી પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.
અષાઢ વદ અમાસના દિવસે યોજાયેલા લોકમેળા દરમ્યાન તલસાણા ગામના તાલુકદાર પરિવાર દ્વારા તલસાણીયા મહાદેવ મંદિરના શીખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. એક લોકવાયકા મુજબ હાલ જે શિખરબંધ મંદિર આવેલુ છે, તેની બાજુમાં જ એક નાગદેવતાનો રાફડો આવેલો હતો. તે રાફડા પાસે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ગામની ગાયોનું ઘણ જ્યારે ગામમાં પાછું જતુ હતુ, તે દરમ્યાન એક ગાય આ રાફડા પર આવીને ઉભી રહેતી. ત્યારે આપોઆપ ગાયના આંચળમાંથી દુધની ધારા વહેતી અને દુધ રાફડામાં જતું રહેતું.
લાંબો સમય આવુ ચાલવાથી ગાયના માલિકે એકવાર ચોકસાઈ કરી તો એને આખી ઘટનાની જાણ થઈ હતી. તેણે આવી ગામલોકોને સંપુર્ણ ઘટના જણાવી હતી. સમય જતા જ્યાં રાફડો હતો. ત્યાં તલસાણીયા દાદાનું શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યુ હતુ. તલસાણા ગામે યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રમાંથી માલધારીઓ આવે છે અને દર્શન કરી પોતાની માનતાઓ પુર્ણ કરી ધન્યતા અનુભવતા હોય છે. દર અમાસના દિવસે તલસાણીયા મહાદેવના મંદિરમાં ભંડારાનુ પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અષાઢ વદ અમાસના દિવસે યોજાયેલ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. જ્યારે લોકમેળા દરમ્યાન લખતર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવેલ હતો.