સેક્ટર-૨૪માં ઈંડાની લારીમાં ગેસ સિલિન્ડર ફાટતા ભારે દોડધામ મચી

સુરક્ષા વગર ઉભી રહેતી લારીઓ જોખમી બની
બિનવારસી લારીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા બાટલો ઉછળીને સામેના મકાનમાં પડયો ઃ આગ ઉપર કાબુ મેળવાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, સેક્ટર-૨૪માં લાંબા સમયથી ઉભી રહેતી એક ઈંડાની લારીમાં
અચાનક ગેસ ગળતરને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે
ગેસનો બાટલો હવામાં ફંગોળાઈને સામે આવેલા મકાનમાં જઈ પડયો હતો. જેના કારણે મકાનના
ખુલ્લા ભાગમાં પડેલા કચરામાં પણ આગ લાગી હતી. ધડાકાના અવાજથી આસપાસના રહીશો ઘરની
બહાર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક વિસ્તારના કોર્પોરેટર અંકિત બારોટને ફોન કર્યો હતો. તેમણે સમય સૂચકતા વાપરી તુરંત જ ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક કર્યો હતો અને પોતે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં આવી જોખમી અને બિનવારસી હાલતમાં પડી રહેતી લારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં સુરક્ષાના કોઈ પણ સાધનો વગર ચાલતી આવી લારીઓ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. સ્થાનિકોએ કોર્પોરેટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી કે, આવી જોખમી લારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને અહીંથી હટાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈના જીવ જોખમાય નહીં.








