ઇડબલ્યુએસના ૯૬૫ મકાનો લેવા માટે લોકોનો ભારે ધસારો
ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દતમાં ૨૦ દિવસનો વધારો કરવા નિર્ણય
વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પોરેશને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બીલ, ભાયલી અને સેવાસી ખાતે તૈયાર થનાર આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેના મકાનો મેળવવા ઓનલાઇન ફોર્મ મગાવ્યા હતા.
આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ હતી, પરંતુ લોકો તરફથી ભારે પ્રતિસાદ મળતા ઓનલાઇન ફોર્મ ભરવાની સમયમર્યાદા ૨૦ દિવસ લંબાવી છે. હવે આ ફોર્મ તા.૨૦ મે સુધી ભરી શકાશે. જરૃરી દસ્તાવેજો કોર્પોરેશનની વેબસાઇટ પર અપલોડ કરી શકાશે. ઇડબલ્યુએસ-૨ પ્રકારના ૯૬૫ મકાનો છે. જે ૪૦ ચો.મી.ના વન બીએચકેના છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ઇડબલ્યુએસ કેટેગરીના આવાસો પૈકી આશરે ૬૨૮૨ આવાસો બનાવવાના ડીપીઆરને સરકારમાંથી મંજૂરી મળેલ છે. શહેરમાં અત્યાર સુધીમાં હરણી ખાતે ૪૦૦ આવાસો, હરણી ખાતે ૫૮, ગોત્રીમાં ૩૫૩, ગોત્રીમાં જ ૧૫૪, સયાજીપુરામાં ૩૦૮ અને સુભાનપુરામાં ૭૪ મળી કુલ ૧૩૪૭ મકાનોની કામગીરી ૯૯.૯૭ કરોડના ખર્ચે કરી સોંપણી કરાઇ છે. હાલ અટલાદરા, કલાલી, ભાયલી, બીલ, સેવાસી, સંજયનગર-વારસિયા, દંતેશ્વર, મધુનગર ખાતે ૨૮૩.૭૯ કરોડના ખર્ચે ૩૯૩૮ આવાસોની કામગીરી ચાલુ છે.