વડોદરામાં કારેલીબાગ-હાથીખાના રોડ પર મસમોટો ભુવો પડતા પાલિકાની પોલ ખુલી
image : File photo
Vadodara : વડોદરા શહેરના કારેલીબાગ-પાણીની ટાંકી વિસ્તારના કોમર્શિયલ ગણાતા હાથી ખાના તરફ જવાના રસ્તે ચાર રસ્તા નજીક જ મસમોટો ભુવો પડ્યો છે. નજીકમાં જ રોજ સાંજે શાકમાર્કેટ ભરાય છે ત્યારે માત્ર પાલિકા તંત્ર એ ચારે બાજુએ બેરીકેટ મૂકીને સંતોષ માન્યો છે. આ જગ્યાએ તાજેતરમાં જ પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. થાગડ થીગડ કરીને જેમ તેમ પુરાણ બાદ ડામર કપચી નાખીને રોલર ફેરવી દેવાયુ હોવાનું સ્પષ્ટ નજરે ચડે છે. આ ભુવામાં કેટલીય પાણીની અને ડ્રેનેજની લાઈનો આવેલી છે જે લીકેજ થતા કારેલીબાગ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં.
ઉલ્લેખનીય છે કે કારેલીબાગ પાણીની ટાંકીનો રોડ સતત ધમધમતો રહે છે. આ રસ્તેથી હાથીખાના તરફ જવાના રસ્તે ટર્નિંગ પર જ મસ્ત મોટો ભુવો પડ્યો છે. વિસેક ફૂટ જેટલો ઊંડો અને 10 જેવા પહોળા ભૂવાના કારણે વિસ્તારમાંથી પસાર થતું વાહન ગરકી જવાની શક્યતા નકારી શકાતી નથી. ગઈ રાત્રે એક શાકભાજીવાળાએ પોતાનો થ્રી વ્હીલ ટેમ્પો આ જગ્યાએ મૂક્યો હતો પરંતુ જગ્યા સમયાંતરે ઓછી પડતી જણાતા તાત્કાલિક ધોરણે ટેમ્પો હટાવી લીધો હતો. જ્યારે બીજી બાજુ સમી સાંજે ભરાતા શાકભાજી બજારના કારણે પણ આ રસ્તો સતત ધમધમતો રહે છે.
પાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં જ આ જગ્યાએ કોઈ કારણે ખોદાણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રોડા- છારુ નાખીને આ ખાડો પૂરી દેવાયા બાદ ઉપર કપચીવાળો ડામર નાખીને રોલર ફેરવી દેવાયું હતું. આમ સ્માર્ટ સિટી કહેવાતું વડોદરા ફરીવાર એક વખત હવે ભુવા નગરી તરીકે જાણીતું બની જાય તો નવાઈ નહીં.