Gujarat

વિસ્તારના પ્રશ્નોને લઈને કાઉન્સિલર અને સીટી એન્જિનિયર વચ્ચે જાહેરમાં તું તું મેમે

By GS TEAM
5 Jul 20252 mins read
વિસ્તારના પ્રશ્નોને લઈને કાઉન્સિલર અને સીટી એન્જિનિયર વચ્ચે જાહેરમાં તું તું મેમે
વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ અને સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર વચ્ચે વિસ્તારના પ્રશ્નોને લઈને ભારે રકજક થઈ હતી.

આજે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર અને કલ્પેશ પટેલ વચ્ચે ભારે રકઝક થઈ હતી. જેમાં કલ્પેશ પટેલનું નિવેદન ચર્ચામાં રહ્યું હતું કે, કલ્પેશ પટેલને ના ઓળખતા હોય તો ઓળખી લેજો ભલભલા લોકોને પૂરા કર્યા છે. ત્યારબાદ કંચનબાગ ખાતે બંને વચ્ચે કામગીરીને લઈ ફરી રકઝક થઈ હતી. આ દરમ્યાન કલ્પેશ પટેલે  કરોડો રૂપિયા ખાઈ ગયા હોવાના આક્ષેપ કરતા અલ્પેશ મજમુદારએ એ આવું ના બોલ, પૈસા ખાઈ જાય છે તેવી વાત કરે છે તેમ કહી ચાલતી પકડી હતી. માર્ગ ઉપર પ્રિમોન્સૂનની કામગીરીને લઈને પણ બંને વચ્ચે હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાતા બંને એકબીજાના ચરણ સ્પર્શ કરતા નજરે ચડ્યા હતા. ત્યારબાદ કોટેશ્વર ગામ ખાતે  રહીશોએ અલ્પેશ મજબુદાર સામે રસ્તાની કામગીરીને લઈ બળાપો ઠાલવ્યો હતો. મળતી માહિતી મુજબ અલ્પેશ મજમુદારનું કહેવું હતું કે, કંચન ભગત તળાવ અને તેની આસપાસના રસ્તા પર પાણીના ભરાવાની સમસ્યા હોય કેચપીટની સફાઈ કરતા તેનો નિકાલ થયો છે, ડ્રેનેજના પાણી તળાવમાં ન ભળે તે માટે કામગીરી ચાલી રહી છે, કોટેશ્વર નાળાની  કેપેસિટી ડબલ કરી માર્ગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.


આ અંગે કલ્પેશ પટેલનું કહેવું હતું કે, કંચન બાગ (કબીર સાગર) તળાવમાં ડ્રેનેજનું પાણી ભળે છે, વડસર - કોટેશ્વરને જોડતા માર્ગની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, વડસર કોટેશ્વરમાં બે સ્મશાનનો પ્રશ્ન પણ ઉભો છે, હાર્વેસ્ટિંગની કામગીરી પણ નિષ્ફળ ગઈ છે, ભાથુજી મંદિર આગળ વર્ષોથી પાણીનો ભરાવ થઈ રહ્યો છે, જેથી જનતામાં ભારે આક્રોશ છે, રહીશો અમને ફરિયાદ કરે છે અને અધિકારીઓ અમારું સાંભળતા નથી, કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચતા તેઓ ન મળતા અલ્પેશ મજબુદારને રજૂઆત કરી હતી.