શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતીઓ બન્યા શિવમય: મંદિરમાં ભક્તોની ભારે ભીડ
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતના શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે વહેલી સવારથી જ સુરતના શિવભક્તોએ શહેરના જુદા જુદા શિવ મંદિરોમાં શિવજીના દર્શન અનેક પૂજા માટે પહોંચી ગયા હતા. શિવ મંદિરોમાં ભક્તોની ભીડ સાથે બમ બમ ભોલેના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં ભક્તોએ દૂધ, બીલીપત્ર, ધતુરા, ફૂલ અને ગંગાજળથી ભગવાન શંકરને અભિષેક કર્યો હતો.
પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર શિવ ભક્તો માટે ઉત્તમ હોવાથી મોટી સંખ્યામાં શિવભક્તો સુરતના જુદા જુદા વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં દર્શન માટે પહોંચી ગયાં હતા. અન્ય સોમવારની સરખામણીમાં આજે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના શિવ મંદિરમાં જન સૈલાબ ઉમટી પડ્યો હતો અને ભક્તોએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી.
સુરતના હજારો વર્ષ જુના કંતારેશ્વર મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ શિવજીના દર્શન માટે મંદિરોમાં લાઈન લગાવી દીધી હતી. વહેલી સવારથી જ શિવજીને વિવિધ વસ્તુઓના અભિષેક કરવામા આવ્યો હતો. વિવિધ પૂજા અર્ચના સાથે ભક્તોએ શિવ ભક્તિ કરી હતી. આ ઉપરાંત ઓલપાડ નજીક ખાતેના સરસના સિધ્ધનાથ મહાદેવ મંદિરે હજારો કાવડીયાઓ તાપી નદીના જળ ભરીને ચાલતા મંદિરે પહોંચ્યા હતા અને તાપી જળનો શિવલિંગ પર અભિષેક કર્યો હતો. આ મંદિરે રવિવારે રાત્રીથી ભક્તોની ભીડ જોવા મળી હતી. સાથે-સાથે શહેરના વિવિધ મંદિરોમાં પણ શિવભક્તોએ બમ બમ બોલે અને આમ નમઃ શિવાયના નારા લગાવ્યા હતા તેના કારણે વાતાવરણ વધુ ભક્તિમય બની ગયું હતું.