શિવરાત્રીના દિવસે સુરતીઓ બન્યા શિવમય, મંદિરોમાં ગુંજ્યા હર હર મહાદેવ નારા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજે મહાશિવરાત્રીના દિવસે સુરતીઓ શિવમય બની ગયા હતા જેના કારણે શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હતું. મોટી સંખ્યામાં મંદિરમાં શિવ ભક્તો ઉમટી પડતા અનેક જગ્યાએ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. સુરતમાં આજે શિવરાત્રીની શ્રધ્ધા અને ઉત્સાહપૂર્વક શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે શિવરાત્રી સાથે અનેક મંદિરો દ્વારા શિવ ભક્તિ સાથે સમાજ સેવા નો સંગમ કરી બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ રોગ નિદાન શિબિરનું પણ આયોજન કર્યું હતું.
આજે રવિવાર અને મહાશિવરાત્રીના સંગમના કારણે આજે વહેલી સવારથી જ સુરત શહેર જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. શિવરાત્રી હોવાના કારણે શહેરના શિવ મંદિરોને લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. સુરતીઓમાં શિવરાત્રીનો ભારે ઉત્સાહ હતો જેના કારણે સવારે ચાર વાગ્યાથી જ વિવિધ પૂજા શરુ થઈ ગઈ હતી. સુરત શહેરના રહેણાંક સોસાયટીમાં નવા બનેલા શિવ મંદિરો સાથે સાથે પૌરાણિક મંદિરો માં શિવ ભક્તો મહાદેવની આરાધના માટે પહોંચી ગયા હતા.
આજના દિવસે શિવ મદિરોનું વિશેષ મહત્વ છે જેના કારણે શિવ મંદિરોમાં ચારેય પ્રહરની પૂજા કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિરો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આજે દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રી દરમિયાન ભજન અને વર્ષોની પરંપરા પ્રમાણે મહાદેવજીને ઘી ના કમળ અર્પણ કરવામા આવશે અને સોમવારથી ભક્તો દર્શન કરી શકશે.
સુરતના અનેક મંદિરોમાં શિવ ભક્તિ સાથે સમાજ સેવાનો અનોખો સંગમ કરવામાં આવ્યો હતો. અનેક મંદિરોમાં બ્લડ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક જગ્યાએ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રીમાં વડીલોની સાથે સાથે યંગસ્ટર્સ ભગવાન શિવની આરાધના શ્રધ્ધાપૂર્વક કરતાં જોવા મળ્યા હતા.









