'મારી ડેડ બોડીને ગળે લગાડી લેજો' 28 લાખનું દેણુ થતા યુવતીનો આપઘાત
ખાંભા તાલુકાના ભાડ ગામની યુવતી ટાસ્ક બેઝડ ફ્રોડનો ભોગ બની શરૂઆતમાં રોકાણના વધુ વળતરની લાલચ આપી ઠગબાજોએ ફસાવી ત્યારબાદ પૈસા પરત નહીં મળતા યુવતીએ અંતિમ પગલું ભરી લીધું :ચોંકાવનારી વિગતોનો ઘટસ્ફોટ
અમરેલી, : અહીના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામે ૨૫ વર્ષની યુવતીએ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધાની ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે કબજે કરેલી સ્યુસાઇડ નોટમાં રૂા. 28 લાખનું દેણું થઇ જતાં અંતિમ પગલું ભરી લીધું હોવાનું જણાવાયું છે. ઓનલાઇન રોકાણ કરી વધુ વળતરની આશાએ યુવતી ટાસ્ક બેઝડ ફ્રોડનો શિકાર બની હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો એવી છે કે અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાના ભાડ ગામની યુવતી ભૂમિકાબેન હરેશભાઈ સોરઠીયા (ઉ.વ.૨૫) ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. ભૂમિકાને ઇન્સ્ટાગ્રામ અને ટેલીગ્રામ ચેનલ મારફતે અલગ-અલગ ટાસ્ક આપવામાં આપતા હતા. શરૂઆતમાં નાના રોકાણ જેમ કે રૂા. 500થી રૂા. 7,000ના રોકાણમાં વધુ વળતર આપીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. વધુ વળતર મળશે તેવી આશાએ ભૂમિકાને એક વીઆઈપી ગુ્રપમાં જોઇન્ટ કરવામાં આવી હતી. જેમાં રૂા. 50,000, 1,00,000 અને 1.5 લાખ જેવી રકમનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ઠગાઇ કરનારા શખ્સોએ ફેક એકાઉન્ટ બનાવીને આ રોકાણ ઉપર મોટો નફો બતાવ્યો હતો. જ્યારે ભૂમિકા પોતાના રોકાણ કરેલા પૈસા પરત માગતી હતી ત્યારે ઠગબાજોએ તેને પૈસા પરત આપવાને બદલે વધુ પૈસાની માગણી કરતા હતા. પોતાના અગાઉ કરેલા રોકાણના પૈસા પાછા મેળવવાના પ્રયાસમાં ભૂમિકાબેન વધુને વધુ પૈસા આપતા ગયા હતા. પોલીસે કબજે કરેલી મૃતક ભૂમિકાબેનની સ્યુસાઇડ નોટમાં 'મારા ઉપર shine.com કંપનીને લીધે દેણું થઇ ગયું છે તેથી પગલું ભરું છું' તેવો ઉલ્લેખ કરી 'મારી છેલ્લી ઇચ્છા એ છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો પ્લીઝ' તેમ જણાવ્યું હતું. આ ઘટના ટાસ્ક બેઝડ ફ્રોડની હોવાનું જણાવી પોલીસ સૂત્રોએ રોકાણના વધુ વળતરની લાલચ આપનારા તત્વો અંગે તપાસ હાથ ધરી હતી.